પોલીસ ચાર્જશીટમાં તાહિર હુસૈનને રમખાણોનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને આવતા મહિને દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મુસ્તફાબાદ બેઠક પરથી તાહિર હુસૈનને ટિકિટ આપવામાં આવી છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં દિલ્હીમાં રમખાણો થયા હતા. દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં તાહિર હુસૈન અને અન્ય ૧૪ લોકો સામે રમખાણો અને હિંસા ફેલાવવાના આરોપો મૂક્યા હતા. રમખાણોમાં આરોપી તરીકેનું નામ બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ તાહિર હુસૈનને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. તાહિર હુસૈન ત્યારે મ્યુનિસિપલ કાઉન્સિલર હતા.
પોલીસ ચાર્જશીટમાં તાહિર હુસૈનને રમખાણોનો માસ્ટરમાઈન્ડ ગણાવવામાં આવ્યો હતો. પોલીસે ચાર્જશીટમાં કહ્યું હતું કે, તાહિર હુસૈને હિંસા ભડકાવી હતી, રમખાણોનું કાવતરું ઘડ્યું હતું અને રમખાણોનું આયોજન કરવા માટે પૈસા પણ ખર્ચ્યા હતા.પોલીસે કરકરડૂમા કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં કહ્યું હતું કે, ઉત્તર દિલ્હીના ચાંદ બાગ વિસ્તારમાં થયેલા રમખાણોમાં તાહિર હુસૈનની મહત્ત્વની ભૂમિકા હતી. જોકે તાહિર હુસૈને કહ્યું હતું કે,તે નિર્દોષ છે.
આવતા મહિને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટીએ ૨૦૧૫ અને ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં મોટા માર્જિનથી જીત મેળવી હતી. ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી, પરંતુ આ સરકાર માત્ર ૪૯ દિવસ જ ચાલી શકી અને કેજરીવાલના રાજીનામાને કારણે પડી ગઈ.
બીજી તરફ ભાજપ અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં સત્તા પરથી હટાવવા માંગે છે. ૨૦૧૫ અને ૨૦૨૦ની ચૂંટણીમાં દિલ્હી બીજેપીના રાજ્ય નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યા હતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓએ પાર્ટીના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કર્યો હતો પરંતુ પાર્ટી જીત નોંધાવી શકી ન હતી.