Last Updated on by Sampurna Samachar
કબર પરના પથ્થરમાં લખેલું હોવું જોઈએ કે, “મારી પત્નીના ત્રાસથી મારું મૃત્યુ થયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટક,તા.૨૮
કર્ણાટકમાંથી AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યના હુબલી જિલ્લામાં એક પુરુષે તેની પત્નીથી નારાજ થઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં, ૪૦ વર્ષીય પેટુરુ ગોલ્લાપલ્લીએ લખ્યું હતું કે તેમની કબર પરના પથ્થરમાં લખેલું હોવું જોઈએ કે, “મારી પત્નીના ત્રાસથી મારું મૃત્યુ થયું.”
હુબલીના ચામુંડેશ્વરી નગરમાં બનેલી આ ઘટનાએ વિસ્તારના લોકોને સ્તબ્ધ કરી દીધા છે. ૪૦ વર્ષીય પેટુરુ ગોલ્લાપલ્લીએ પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના ત્યારે બની જ્યારે પરિવારના સભ્યો ચર્ચમાં ગયા હતા. આ કેસમાં એક સનસનાટીભર્યો વળાંક ત્યારે આવ્યો જ્યારે પેટુરુના પરિવારે તેની છેલ્લી ઇચ્છા જાહેર કરી હતી.
સુસાઈડ નોટમાં, પેટુરુએ તેની પત્ની પિંકી પર ઉત્પીડનના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે લખ્યું, “મારી પત્નીના ત્રાસને કારણે મારું મૃત્યુ થયું” એટલું જ નહીં, તેમણે પોતાની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી કે તેમના શબપેટી અને કબર પર પણ આ જ લખાણ લખાય. પેટુરુના પરિવારે તેની છેલ્લી ઇચ્છા પૂરી કરી, શબપેટી પર ચિઠ્ઠી ચોંટાડી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. અશોક નગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના બેંગલુરુ આત્મહત્યા કેસમાં, એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે ૯ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ બેંગલુરુમાં તેમના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. અતુલે ૨૪ પાનાની સુસાઈડ નોટ છોડી હતી. ૯૦ મિનિટનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો. આમાં તેણે તેની પત્ની, સાસુ, સાળા, કાકા સસરા અને એક મહિલા ન્યાયાધીશ પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.