Last Updated on by Sampurna Samachar
RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે મતભેદ કર્યાનો આક્ષેપ
સ્કૂલોમાં વધુ ફી માટે દબાણ કરાતું હોવાનો વાલીઓનો આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદની નામચીન ઉદગમ સ્કૂલ અને મુક્તજીવન સ્કૂલ હાલમાં ગંભીર વિવાદમાં સપડાઈ છે. આ બંને સ્કૂલ સામે વાલીઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે RTE (Right to Education) અંતર્ગત પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવી રહ્યું છે. વાલીઓનો દાવો છે કે સવારની પાળીમાં આવનારા RTE કેટેગરીના વિદ્યાર્થીઓને નિયમિત રીતે સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવતો નથી, જે RTE કાયદાની મૂળ ભાવનાને સીધો પડકાર આપે છે.

વાલીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે બંને સ્કૂલોમાં RTE હેઠળ દાખલ થયેલા વિદ્યાર્થીઓના વાલીઓ પર વધારાની ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. નિયમો મુજબ જે સુવિધાઓ મફતમાં આપવાની હોય તે માટે પણ ગેરરીતે ચાર્જ વસૂલવાની ફરિયાદો સામે આવી છે. આ સમગ્ર મામલે વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
અન્ય જિલ્લાઓની કેટલીક ખાનગી સ્કૂલોમાં પણ RTE વિદ્યાર્થીઓ સાથે મતભેદ
આ મુદ્દાને લઈને જન સંવાદ પોર્ટલ પર અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જે આ વિવાદની ગંભીરતા દર્શાવે છે. માત્ર અમદાવાદ પૂરતું જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓની કેટલીક ખાનગી સ્કૂલોમાં પણ RTE વિદ્યાર્થીઓ સાથે મતભેદ અને ભેદભાવ થતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પરિણામે, આ પ્રશ્ન હવે રાજ્યવ્યાપી ચિંતા બની રહ્યો છે.
વાલીઓએ સ્પષ્ટ માગ કરી છે કે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી (DIO) દ્વારા નિષ્પક્ષ અને વિસ્તૃત તપાસ કરવામાં આવે, જેથી સાચી હકીકત બહાર આવી શકે અને દોષિતો સામે કડક કાર્યવાહી થાય. વાલીઓનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ગરીબ અને વંચિત વર્ગના બાળકોના શિક્ષણના અધિકાર પર ગંભીર અસર પડશે.
ઉલ્લેખનીય છે કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકારનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ અને વંચિત વર્ગના બાળકોને પણ ગુણવત્તાયુક્ત અને સમાન શિક્ષણનો લાભ મળે. આ હેતુને સાકાર કરવા માટે દર વર્ષે RTE અંતર્ગત વિદ્યાર્થીઓને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ ફાળવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. RTE પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તારોમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧.૨૦ લાખ જ્યારે શહેરી વિસ્તારોમાં રૂ. ૧.૫૦ લાખ નક્કી કરવામાં આવી છે.
આ પ્રક્રિયા દરમિયાન વાલીઓને આવકનો પુરાવો ફરજિયાત રીતે રજૂ કરવો પડે છે. જો વાલી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તો તેની નકલ પણ અપલોડ કરવી જરૂરી બનાવવામાં આવી છે, જેથી યોગ્ય અને પાત્ર લાભાર્થીઓને જ RTEનો લાભ મળી શકે. છતાં, આવા કડક નિયમો હોવા છતાં જો સ્કૂલ સ્તરે ભેદભાવ અને ગેરરીતિઓ થતી હોય તો તે સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.
આ પરિસ્થિતિમાં વાલીઓ અને સામાજિક સંગઠનોની માંગ છે કે સરકાર અને શિક્ષણ વિભાગ તાત્કાલિક હસ્તક્ષેપ કરી RTE કાયદાનો કડક અમલ કરાવે, જેથી કોઈપણ બાળકને તેના શિક્ષણના અધિકારથી વંચિત ન રહેવું પડે.