Last Updated on by Sampurna Samachar
હોસ્પિટલના સ્ટાફે ભૂલ સ્વીકારવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું
દર્દીના સગા દ્વારા એલીસબ્રીજ પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી અપાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદની જાણીતી SVP હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર લઈ રહેલા એક વૃદ્ધ દર્દીના લોહી વહી જવાના મામલે સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. જે બાદ પરિવારજનોએ હોસ્પિટલના જવાબદાર સ્ટાફ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. આ મામલે દર્દીના સગા દ્વારા એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં અરજી આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ૭૨ વર્ષીય સલીમ શેખને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં લગાવેલી વિગોમાંથી અચાનક લોહી નીકળવાનું શરૂ થયું હતું. નવાઈની વાત એ છેકે, ICU જેવા અતિ સંવેદનશીલ વોર્ડમાં સ્ટાફ હાજર હોવા છતાં કોઈનું ધ્યાન આ તરફ ગયું નહોતું. જ્યારે સલીમભાઈના પરિવારજનો અચાનક તેમને મળવા પહોંચ્યા, ત્યારે પથારીમાં લોહી નીકળતું જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા.
ઘટના બની ત્યારે ડોક્ટરો પડદા પાછળ બેઠા હતા
પરિવારે આક્ષેપ કર્યો હતો કે, ICU માં પરિવારજનોને રોકાવાની મનાઈ હોય છે, ત્યાં દર્દી સંપૂર્ણપણે સ્ટાફના ભરોસે હોય છે. તેમ છતાં આટલી ગંભીર ઘટના બની હતી. જ્યારે પરિવારે આ બાબતે સ્ટાફને જાણ કરી, ત્યારે કોઈએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું છે.
પરિવારનું કહેવું છે કે જો તેઓ સમયસર ન પહોંચ્યા હોત, તો દર્દીનું ઘણું લોહી વહી ગયું હોત અને પરિસ્થિતિ ગંભીર બની શકી હોત. દર્દીના પરિવારે જણાવ્યું કે, ૭૨ વર્ષીય દાદાને માત્ર ઓક્સિજન ઓછું હોવાથી હોસ્પિટલના ICU માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ભારે બેદરકારીને કારણે તેમનું અડધી બોટલથી વધુ લોહી નીકળી ગયું હતું.
જ્યારે આ ઘટના બની ત્યારે ડોક્ટરો પડદા પાછળ બેઠા હતા અને તેમના પિતા ICU માં એકલા હતા, જેના કારણે તેમણે વીડિયો ઉતારીને ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી અને હોસ્પિટલમાં સિક્કા સાથેની અરજી પણ આપી છે. ડોક્ટરોએ તેમને કોઈ કાગળ પર સહી કરવા દબાણ કર્યું હતું પણ તેમણે ના પાડી દીધી હતી, અને તેઓ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે જેથી ભવિષ્યમાં બીજા કોઈની સાથે આવી ઘટના ન બને.