Last Updated on by Sampurna Samachar
શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી
૭૩ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજના સોશિયલ મીડિયા અને ડિજિટલના જમાનામાં ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એક નાની ભૂલ લોકોને ભારે પડી રહી છે. સાયબર ગઠીયાઓ પણ નવી-નવી ટ્રિક દ્વારા લોકોને છેતરી રહ્યાં છે. ઓનલાઈન (ONLINE) છેતરપિંડી અને સાયબર ફ્રોડના કેસમાં પોલીસ અને તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે છતાં અનેક લોકો પોતાના રૂપિયા ગુમાવી રહ્યાં છે. આવી એક ઘટના અમદાવાદમાં બની છે.
અમદાવાદમાં એક મહિલાને ઈન્સ્ટાગ્રામની રીલ લાઈક કરવી ભારે પડી છે. આ ઈન્સ્ટાગ્રામની રીલ લાઈક કર્યા બાદ મહિલા છેતરપિંડીનો ભોગ બની છે. તેણે ૭૩ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. મહિલાએ આ અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
સાયબર ગઠીયાઓ અપનાવે છે નવી નવી ટ્રિક
પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદમાં એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર કોઈ રીલ લાઈક કરી હતી. ત્યારબાદ સાયબર ગઠીયાઓએ સીબીઆઈ, આઈટી અને સુપ્રીમ કોર્ટના સિક્કાવાળા નકલી લેટરો મોકલી મહિલા સાથે ૭૩ હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે. મહિલાને જ્યારે ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે ત્યારબાદ તેણે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના કેસ સતત વધી રહ્યાં છે. લોકોને એક કે બીજી રીતે છેતરી તેનું બેંક એકાઉન્ટ ખાલી કરી દેવામાં આવે છે. તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવ તો ગમે તે લિંક પર ક્લિક કરવામાં ધ્યાન રાખવું. ફોનમાં જો કોઈ અજાણી લિંક કે મેસેજ આવે તો તેને ખોલવો નહીં. સાયબર ગઠીયાઓ ફોનમાં લિંક મોકલી ફોન હેક કરી લેતા હોય છે અને ત્યારબાદ છેતરપિંડી કરતા હોય છે. જો તમે પણ સાયબર ગુનાનો ભોગ બનો તો તત્કાલ સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફોન કરી ફરિયાદ નોંધાવી શકો છો.