Last Updated on by Sampurna Samachar
ગેરકાયદેસર વેપાર નેટવર્કમાં સામેલ ત્રણ વ્યક્તિની ધરપકડ
ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચે એક નવજાત શિશુને સુરક્ષિત બચાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાળ તસ્કરી વિરુદ્ધ એક મોટી સફળતા મેળવી છે. ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ , અમદાવાદ શહેરે એક નવજાત બાળકને સુરક્ષિત બચાવી લીધો છે. ગુજરાત ATS દ્વારા મળેલી બાતમીના આધારે ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા ગેરકાયદેસર વેપાર નેટવર્કમાં સામેલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATS દ્વારા મળેલી અને આવેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.સી. દેસાઈના નેતૃત્વમાં એક ટીમે કાર્યવાહી કરી હતી. ટીમે એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસે, કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, હિંમતનગરથી એરપોર્ટ તરફ આવી રહેલી સફેદ મારુતિ અર્ટિગાને અટકાવવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાં સવાર વ્યક્તિઓ પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું.
ધરપકડ કરાયેલા આરોપીઓની વિગત
વંદનાબેન જીગરાભાઈ પંચાલ (૩૪): રહે. મુકેશનગર સોસાયટી, ઓઢવ, અમદાવાદ. (મૂળ રહે. અયોધ્યા, ઉત્તર પ્રદેશ).
રોશન ઉર્ફે સજ્જન મહાવીરપ્રસાદ અગ્રવાલ (૪૨): રહે. હૈદરાબાદ, તેલંગાણા. (મૂળ રહે. ઝુંઝુનુ, રાજસ્થાન).
સુમિત બચ્ચનભાઈ યાદવ (૨૭): રહે. બીજલ હોમ્સ, વટવા, અમદાવાદ. (મૂળ રહે. સુલતાનપુર, ઉત્તર પ્રદેશ).
મૌલિક ઉમિયાશંકર દવે (૩૨): વાહનનો ચાલક (જેની તપાસ ચાલુ છે).
ધરપકડ કરાયેલા આરોપીઓ તેમજ વેચનાર અને ખરીદનાર (મુન્નુ અને નાગરાજ) પર ગુનો નોંધીને ફરિયાદ કરવામાં આવી છે. બચાવવામાં આવેલા નવજાત શિશુને તાત્કાલિક સંભાળ અને તબીબી નિરીક્ષણ માટે ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે. આ તસ્કરી સિન્ડિકેટના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા અને ફરાર વચેટિયાઓને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે.