Last Updated on by Sampurna Samachar
સાયબર ઠગાઈના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે
બંધ પોલિસી ચાલુ કરવાનાં નામે સાયબર ક્રાઈમ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં સાયબર ઠગાઈના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં નરોડા વિસ્તારમાં રહેતા એક વેપારીને વીમા કંપનીનો કર્મચારી હોવાનું ભાન આપી, બંધ પડેલી પોલિસી ફરી ચાલુ કરવાના બહાને ૨૩.૦૮ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. ઠગોએ ત્રણ વર્ષના સમયગાળામાં કુલ ૨૧૯ ટ્રાન્ઝેક્શન કરાવી આ મોટી રકમ હડપ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નરોડા ગીદક વિસ્તારમાં ગ્રાઇન્ડિંગ–પોલિશિંગનો વ્યવસાય કરતા અમરસિંહ વાઘેલાએ વર્ષ ૨૦૧૯માં એક્સાઈડ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીની એક વીમા પોલિસી લીધી હતી. શરૂઆતમાં તેઓ નિયમિત રીતે પ્રીમિયમ ભરી રહ્યા હતા, પરંતુ કોરોનાકાળ દરમિયાન વ્યવસાય પર ગંભીર અસર પડતાં તેમની આર્થિક સ્થિતિ નબળી બની ગઈ હતી. આ કારણે તેઓ સમયસર પ્રીમિયમ ભરી શક્યા નહોતા, જેના પરિણામે તેમની વીમા પોલિસી બંધ થઈ ગઈ હતી.
ટુકડે ટુકડે કરીને લાખો રૂપિયા હડપી લીધા
આ દરમિયાન ઓગસ્ટ ૨૦૨૨માં હિમાંશુ રાજપૂત નામના વ્યક્તિએ અમરસિંહ વાઘેલાને ફોન કર્યો હતો. ફોન કરનાર શખ્સે પોતે એક્સાઈડ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીનો અધિકૃત કર્મચારી હોવાનું કહી વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે બંધ થયેલી પોલિસી ફરીથી શરૂ કરી શકાય છે અને જો બાકી રહેલા પ્રીમિયમ તથા દંડ પેટે રૂ. ૫૬,૦૦૦ ભરવામાં આવશે, તો વર્ષ ૨૦૨૫ સુધીમાં તેમને રૂ. ૧૦ લાખ જેટલું વળતર મળશે. મોટી રકમના વળતરની લાલચમાં આવીને વેપારીએ તેની વાત પર વિશ્વાસ મૂક્યો હતો.
સાયબર ઠગોએ પોતાની વાતને સાચી સાબિત કરવા માટે શરૂઆતમાં માત્ર ૧ રૂપિયો UPI મારફતે ટ્રાન્સફર કરાવ્યો હતો, જેથી વેપારીને કોઈ શંકા ન થાય. ત્યારબાદ ધીમે ધીમે વિવિધ બહાનાઓ બતાવી, કોઈપણ પ્રકારની અધિકૃત રસીદ કે દસ્તાવેજ આપ્યા વગર ટુકડે–ટુકડે કુલ ૨૧૯ વખત નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે અલગ–અલગ ટ્રાન્જેક્શન દ્વારા અમરસિંહ વાઘેલાથી કુલ રૂ. ૨૩,૦૮,૦૦૦ની મોટી રકમ પડાવી લેવામાં આવી હતી.
જ્યારે લાંબા સમય સુધી પૈસા ભર્યા બાદ પણ વળતર મળ્યું નહોતું અને વેપારીએ વારંવાર ફોન કરીને વળતરની માંગણી કરી, ત્યારે સામેથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. અંતે ફોન પણ બંધ થઈ જતા અને કોઈ પ્રતિસાદ ન મળતા અમરસિંહ વાઘેલાને પોતાની સાથે મોટો સાયબર ફ્રોડ થયો હોવાનો અહેસાસ થયો હતો.
આ મામલે અમરસિંહ વાઘેલાએ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ચાર અજાણ્યા શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પોલીસે ફરિયાદના આધારે બેંક ટ્રાન્ઝેક્શન, કોલ ડીટેલ્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી દીધું છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ઝડપી પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અને નાગરિકોને આવા લાલચભર્યા ફોન કોલથી સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે.