Last Updated on by Sampurna Samachar
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન
૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિનું નેતૃત્વ કરીને ખોમેનીએ ઈરાનની રાજકીય વ્યવસ્થાને જડમૂળથી બદલી નખાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના શરૂઆતના તબક્કામાં જ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું. ઈરાનના સર્વોચ્ચ સત્તા પાસે રાજકીય, ધાર્મિક અને સૈન્યના સંપૂર્ણ અધિકાર હોય છે.‘સુપ્રીમ લીડર’નું જે પદ ખામેનેઈ ભોગવતા હતા, તેની શરૂઆત આયતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીએ કરી હતી. ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિનું નેતૃત્વ કરીને રૂહોલ્લાહ ખોમેનીએ ઈરાનની રાજકીય વ્યવસ્થાને જડમૂળથી બદલી નાખી હતી.

રસપ્રદ વાત એ છે કે ખોમેનીના પારિવારિક મૂળિયાં ભારતમાં છે. હા, ખોમેનીના પરદાદા ઉત્તર પ્રદેશમાં જન્મ્યા હતા અને તેમનું જીવન પણ અહીં જ વીત્યું હતું. ઈરાનના પ્રથમ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ રૂહોલ્લાહ ખોમેની હતા. ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન તેમણે પશ્ચિમ સમર્થિત શાહ મોહમ્મદ રઝા પહલવીને હટાવી દીધા અને ઈરાનને ઇસ્લામિક રિપબ્લિકમાં પરિવર્તિત કર્યું.
ધર્મ અને રાજકારણ અલગ નથી
ખોમેની માનતા હતા કે ધર્મ અને રાજકારણ અલગ નથી. તેમની માન્યતા હતી કે, ‘ઇસ્લામ પોતે રાજકારણ છે.’ તેમની તસ્વીરો આજે પણ ઈરાનમાં ચલણી નોટો, સ્કૂલો અને જાહેર ઇમારતો પર જાેવા મળે છે.તેઓ ૧૯૮૯ સુધી ઈરાનના સર્વોચ્ચ પદે રહ્યા હતા. ખોમેનીના દાદા સૈયદ અહમદ મુસાવી ‘હિન્દી’નો જન્મ ઉત્તર પ્રદેશના બારાબંકી નજીક થયો હતો. તેમણે પોતાના ભારતીય મૂળ દર્શાવવા માટે ‘હિન્દી’ ઉપનામ અપનાવ્યું હતું.
તેમણે પોતાના પરિવારને શિયા ધાર્મિક પરંપરા વારસામાં આપી હતી. સૈયદ અહમદ મુસાવી હિન્દીના પૂર્વજાે સત્તરમી સદીમાં ઈરાનથી ભારત આવીને વસ્યા હતા. અહમદ હિન્દીનો જન્મ વર્ષ ૧૮૦૦ની આસપાસ ઉત્તર પ્રદેશના બારાબંકી નજીક થયો હતો.
તે ગાળામાં મુઘલ સામ્રાજ્યનું પતન થઈ રહ્યું હતું અને બ્રિટિશ શાસન મજબૂત બની રહ્યું હતું.અહમદ હિન્દી માનતા હતા કે મુસ્લિમ સમાજને ધાર્મિક પુનરુત્થાનની જરૂર છે. આધ્યાત્મિક જીવન જીવવા અને ધાર્મિક અભ્યાસ આગળ વધારવા માટે તેઓ ૧૮૩૦માં ભારત છોડીને મધ્ય-પૂર્વ જતા રહ્યા હતા.
તેઓ સૌપ્રથમ ‘નજફ’ ગયા કારણ કે, ત્યાં શિયા મુસ્લિમો માટે પવિત્ર સ્થળ ગણાતી હઝરત અલીની દરગાહ છે. ત્યારબાદ ઈસ. ૧૮૩૪ સુધીમાં તેઓ ઈરાનના ખોમેન શહેરમાં જઈ વસ્યા હતા.ખોમેન શહેરમાં અહમદ હિન્દીએ ઘર ખરીદ્યું અને પરિવાર સ્થાપ્યો.
તેમણે ત્રણ લગ્ન કર્યા, જેનાથી તેમને પાંચ સંતાન થયા. તેમના એક પુત્ર મુસ્તફા મુસાવી હતા, જે રૂહોલ્લાહ ખોમેનીના પિતા હતા. અહમદ હિન્દી જીવનભર ‘હિન્દી’ ઉપનામ રાખતા રહ્યા, જેથી તેમના ભારતીય મૂળની ઓળખ જીવંત રહે. તેમનું અવસાન ૧૮૬૯માં થયું હતું. તેમને કરબલામાં દફનાવવામાં આવ્યા હતા.
ખોમેનીનો જન્મ તેમના દાદાના અવસાન પછી થયો હતો. આમ છતાં પરિવાર દ્વારા સંચાલિત ધાર્મિક મૂલ્યો, આધ્યાત્મિકતા અને સામાજિક જવાબદારીની ભાવનાએ તેમના વ્યક્તિત્વ અને રાજકીય દિશાને અસર કરી. આ વારસાએ ઈરાનના ભવિષ્યને આકાર આપ્યો, એક એવી ક્રાંતિ થકી, જેણે દેશને ધર્મશાહી રાજ્યમાં પરિવર્તિત કર્યો અને પશ્ચિમ એશિયાના રાજકીય સમીકરણો બદલી નાખ્યા.
ભારત અને ઈરાન વચ્ચે સદીઓથી સાંસ્કૃતિક, ધાર્મિક અને વેપારી સંબંધો રહ્યા છે. મુઘલ યુગ, સૂફી પરંપરા અને શિયા ધાર્મિક કેન્દ્રો વચ્ચેના સંપર્કો આ જાેડાણને મજબૂત બનાવતા રહ્યા છે. અહમદ હિન્દીની જીવનયાત્રા આ ઐતિહાસિક સાંસ્કૃતિક આપ-લેનું જીવંત ઉદાહરણ છે.