Last Updated on by Sampurna Samachar
એક તરફ ઠંડી અને બીજી તરફ અચાનકથી વરસાદ પડતા લોકોના જનજીવન પર અસર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં હાલ હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં હવે કમોસમી વરસાદે માજા મૂકી છે. શહેરના મણિનગર વિસ્તારમાં અચાનકથી કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં કાંકરિયામાં કાર્નિવલમાં પણ કમોસમી વરસાદને કારણે લોકોના રંગમાં ભંગ પડ્યો હતો. સાથે જ અમદાવાદના ઈસનપુર તેમજ કાલુપુર વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે.
સવારથી જ અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ૩ દિવસ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે. કાંકરિયા કાર્નિવલમાં વરસાદ પડતા ત્યાં આવેલા લોકોની મજા બગડી હતી. એક તરફ ઠંડી અને બીજી તરફ અચાનકથી વરસાદ પડતા લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. લોકોને ન છૂટકે ભીના થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદનું અચાનક મોડી સાંજે આગમન થયું હતું. મણિનગર, કાંકરિયા, અમરાઈવાડીમાં વરસાદી છાંટા પડ્યા તો સીટીએમ, ઈસનપુર, જશોદાનગરમાં વરસાદી છાંટા અનુભવાયા હતા .