પોલીસને કોણી મારી ભાગી ગયો ગુનેગાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખોખરા પોલીસના હાથમાંથી રીઢો ગુનેગાર આસીફ ભેડિયા ફરાર થઇ ગયો હતો. તેને લઇને ખોખરા પોલીસ તપાસ માટે કાલુપુર સહજાનંદ માર્કેટમાં ગઇ હતી. તેના એક હાથમાંથી હાથકડી છોડવામાં આવી ત્યારે સબ ઇન્સ્પેક્ટર વી.સી. પરમારને છાતીમાં કોણી મારીને ભેડિયા ભાગી ગયો. વધુ એક વખત અમદાવાદ પોલીસ વિવાદમાં આવી. આ બાબતે કાલુપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ખરેખર ભેડિયા ભાગી ગયો છે કે તેને ભગાડવામાં આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે. તેને ઝડપી લેવા માટે કવાયત ચાલી રહી છે.
ચોરીના જુદા જુદા કેસમાં સંડોવાયેલા આસીફ યુસુફભાઇ પટેલ ઉર્ફે ભેડિયા અને અતિયાર રહેમાન યાકુબઅલી શેખને ખોખરા પોલીસે તપાસ માટે ટ્રાન્સફર વોરંટથી લાવી હતી. જૂની ચોરીના કેસમાં ભેડિયાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે મુદ્દામાલ અંગે કાલુપુર સહજાનંદ માર્કેટમાં તપાસ માટે જવાનું હોવાથી ખોખરાના PSI વી.સી. પરમાર અને હેડ કોન્સ્ટેબલ શિવપ્રકાશ શેષમણી મુદ્દામાલની તપાસ માટે સહજાનંદ માર્કેટ ગયા હતા. ત્યાં ભેડિયાએ જે દુકાનમાં માલસામાન ગાળવા આપ્યો હતો તેની પૂછપરછ કરવાની હતી. PSI એ ભેડિયાના એક હાથમાંથી હાથકડી ખોલી હતી. કોન્સેટબલ દુકાનમાં પૂછપરછ કરવા ગયો ત્યારે PSI પરમાર ભેડિયાને પકડીને ઊભા હતા. મોકો મળતાં ભેડિયાએ પરમારની છાતીમાં કોણી મારી સીડીઓ પર કૂદીને એક હાથમાં હાથકડી સાથે ફિલ્મી સ્ટાઇલે ભાગી ગયો હતો. PSI પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ શેષમણીએ તેને પકડવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. તેના ઘરે અને તે જે જગ્યાએ ભાગીને જઇ શકે તેવી તમામ મળી નહોતી.
એલિસ બ્રિજ, કાગડાપીઠના ઇન્સપેક્ટર સહિત છેલ્લા બે મહિનામાં ૧૨ પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયા છે. ફરજ પર બેદરકારી બદલ પોલીસ કમિશનર તેમજ ડીસીપી દ્વારા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. થોડા દિવસ પહેલા ચાંદખેડા પોલીસ સ્ટેશનના ચાર પોલીસ કર્મચારીઓને ઝોન ૨ના ડીસીપીએ સસ્પેન્ડ કર્યા હતા. આ પહેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપી હિતેશ નાસી જવાના કેસમાં બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા હતા. ખ્યાતિ કેસમાં ડો. વજીરાણીને સુવિધા આપવા બદલા એક પોલીસકર્મી સામે પગલાં લેવામાં આવ્યા હતા.
દિવાળી પહેલા શહેરના ચારેક વિસ્તારમાં માથાભારે તત્ત્વોએ આતંક મચાવી સમગ્ર વિસ્તારને બાનમાં લીધા હતા. ત્યાર બાદ જાહેરમાં હત્યાઓનો સીલસીલો ચાલ્યો. આટલું ઓછું હોય તેમ એરપોર્ટ પરથી જતા મુસાફરોને લૂંટી લેવાની ફરિયાદ થઇ. આરોપીઓને સાચવાવાથી લઇને પોલીસને બેદરકારીની ફરિયાદો રોજે રોજ થઇ રહી છે. વહીવટદારોની માથાકૂટ વધતાં કમિશનરના આદેશથી ૧૩ વહીવટદારોની DGP એ જિલ્લા બહાર બદલીઓ કરી દીધી. આ વહીવટદારોએ પોતાની સાથે અન્યાય થયો હોવાનું જણાવી કોર્ટનું શરણ લીધું છે. એટલે DGP ના આદેશથી તેમની મિલકતો ચેક કરવાની કવાયત ચાલી રહી છે. આમ ઘણા લાંબા સમયથી વિવાદ અમદાવાદ પોલીસનો પીછો છોડતો નથી.
લતીફના ખાસ ગણાતા શરીફખાનને લઇને પોલીસ કોર્ટમાં ગઇ હતી. તેને એક કોલ કરવા એસટીડી બૂથમાં જવા દેવાયો અને તે ભાગીને પાકિસ્તાન પહોંચી ગયો. દાયકા વિતી ગયા તેની ભાળ મળતી નથી. થોડા સમય પહેલાં જ કુખ્યાત મોન્ટુ નામદારને કોર્ટમાં હાજર કરીને પોલીસ સરકારી ગાડીમાં જેલમાં લઇ જતી હતી. રસ્તામાં તેને લઘુશંકા માટે છુટો મૂકાયો અને તે ભાગી ગયો અને હવે કુખ્યાત ગુનેગાર ભેડિયા પણ ફરાર થઇ ગયો છે.