Last Updated on by Sampurna Samachar
દુલ્હને ૧૮૧ પર ફોન કરીને અભયમને પણ બોલાવી લીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ‘અજબ ગજબ કી પ્રેમ કહાની’ નો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હિન્દી ફિલ્મને પણ ટક્કર મારે તેવા આ કિસ્સામાં દુલ્હને એક જ કલાકમાં આત્મહત્યાની ધમકી આપીને જાનને લીલા તોરણે વિદાય કરી દેતા આખું પ્રેમપ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. દુલ્હનની આત્મહત્યાની ધમકીના લીધે જાનૈયાઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. વરપક્ષને પહેલાં તો ખબર જ પડી ન હતી કે આખો કિસ્સો શું છે.
આ કિસ્સામાં કન્યાપક્ષથી વિપરીત વરપક્ષે કાકલૂદી કરી હતી કે દુલ્હન ફક્ત ફેરા ફરીને અને એક કલાક માટે સાસરીમાં પગ મૂકે અને પછી પરત જતી રહી, પરંતુ દુલ્હન માની ન હતી. પોતાની વાત પર અડગ જ રહી હતી. ફક્ત એટલું જ નહીં તેણે ૧૮૧ પર ફોન કરીને અભયમને પણ બોલાવી લીધા હતા અને તેના કુટુંબીજનો તેને પરાણે પરણાવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.
જેના પગલે અભયમે આખી સ્થિતિ સમજી હતી અને સમજાવટનો દોર હાથમાં લીધો હતો. અભ્યમે દુલ્હનના કુટુંબીજનોને સ્પષ્ટ જણાવી દીધું હતું કે દુલ્હનની મરજી ન હોવાથી કંઈ ન થઈ શકે. તેમા પણ દુલ્હને જેને પરણવાની જીદ પકડી હતી તે પરીણિત છે બે સંતાનોનો પિતા છે અને કુંભના મેળામાં ગયેલો છે. અભયમે તેને ફોન કરીને જણાવતા તેણે જણાવ્યું હતું કે તે તેની પ્રેમિકા અને પત્ની બંનેને રાખવા તૈયાર છે.
આખા કિસ્સામાં ઘટનાક્રમ એવો હતો કે હાલમાં જેના લગ્ન થનારા છે તે યુવતી ચાર વર્ષ પહેલા અન્ય યુવકના પ્રેમમાં ગળાડૂબ હતી અને તે પરીણિત હતો. યુવતી પ્રેમીના પ્રેમમાં એટલી ગળાડૂબ હતી કે તેણે તેનું બધુ સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. પણ બંનેના પ્રેમનો ભાંડો ફૂટતા યુવતીના કુટુંબીજનોએ યુવતીના લગ્ન બીજે કરાવ્યા હતા.
બીજી બાજુ તેનો પરીણિત પ્રેમી પણ ગૃહસ્થીમાં વ્યસ્ત થઈ ગયો હતો અને તે બે સંતાનોનો પિતા પણ બની ગયો હતો. પણ આ યુવતીના કમનસીબે તેનો પતિ લફરેબાજ નીકળ્યો હતો. તેને પણ અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા, તેના પગલે યુવતી પિયર પરત ફરી હતી. યુવતી પિયર પરત ફરતાં તેના જૂના પ્રેમે ઉછાળો માર્યો હતો.તેમના માટે લગ્ન શક્ય ન હોવાથી બંનેએ મૈત્રીકરાર કરીને અલગથી મકાન રાખીને સાથે રહેવાનું પણ શરૂ કરી દીધું હતું.
પરંતુ પ્રેમીની પત્ની અને યુવતીના કુટુંબીજનોને આ વાત કોઈ કાળે મંજૂર ન હતી. યુવતીના કુટુંબીજનોએ યુવતીને ઘણી સમજાવી, પરંતુ પ્રેમમાં અંધ બનેલી યુવતી કોઈ કાળે વાત સાંભળવા તૈયાર ન હતી.છેવટે યુવતીના કુટુંબીજનોએ યુવતીની સગાઈ કરાવી દીધી હતી. તે સમયે યુવતીએ કુટુંબીઓના દબાણના લીધે સગાઈ માટે સંમતિ આપી અને લગ્નની તૈયારી પણ દાખવી. તે લગ્નના દિવસે દુલ્હનના સ્વરૂપમાં તૈયાર પણ થઈ ગઈ. આખુ કુટુંબ પણ તૈયાર થઈ ગયું હતું. બધુ રંગેચંગે ચાલતું હતું અને ત્યારે જ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો આ કિસ્સામાં પ્રવેશ થયો.
અભયમના પ્રવેશ સાથે યુવતીનું કુટુંબ ચોંકી ગયું અને અભયમે તેમને આખી પરિસ્થિતિ સમજાવી. હવે યુવતીનો પ્રેમી તો તેને રાખવા તૈયાર છે, પરંતુ તેની પત્ની જરા પણ તૈયાર નથી. આમ યુવતીએ પહેલા પોતાના ઘરમાં ઘમાસાણ મચાવ્યા પછી હવે તેના પરીણિત પ્રેમીના ઘરમાં ઘમાસાણ મચાવ્યું છે. હવે રામાયણમાંથી મહાભારત બનેલા કિસ્સાનો અંત શું આવે છે તે જોવાનું રહ્યું.