ઉધારમાં માલ ખરીદી પૈસા ન ચૂકવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના મણીનગરમાં રહેતા એક વેપારી તથા અન્ય વેપારીઓ પાસેથી ઉધારમાં કાપડનો માલ લઈને અંદાજે ૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા શખ્સો સામે ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે. આ અંગે જીતેન્દ્રભાઈ એસ.પુગલીયાએ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત મુજબ ખોખરા ગાયત્રી ડેરીની બાજુમાં દુકાન નંબર-૨૫ ન્યુ ગેઈન માર્કેટ ખાતેથી સામંગા ક્લોથીંગ એલ.એલ.પીના ૧૦ ભાગીદારોએ જીતેન્દ્ર પુગલીયા તથા અન્ય વેપારીઓ પાસેથી શુટીંગ-શર્ટીંગ કાપડનો રૂ. ૩,૪૧,૭૬,૧૨૫ નો માલ ઉધારમાં ખરીદ્યો હતો. જેમાં માલનું પેમેન્ટ ૩૦થી ૯૦ દિવસમાં ચુકવવાની ખાતરી આપીને ટુકડે ટુકડે રૂ. ૧,૩૮,૧૦,૧૪૨ ચુકવ્યા હતા.
જ્યારે બાકીના રૂ.૨,૦૩,૬૫,૯૮૩ ન ચુકવીને છેતરપિંડી કરી હતી. જેને પગલે આરોપીઓ દેવેન્દ્ર એચ.પુરોહિત. જીતેન્દ્ર એસ.પરમાર, પ્રતિક એચ.પઢિયાર, બચ્ચનસિંગ ઓ.રાજપુત, વિજયસિંગ પુરોહિત, સમરથલાલ, ખેતારામ મેઘવાલ, રતનસિંગ એચ.દેવાલ, જીતેન્દ્ર એમ.શાહ અને શંકરલાલ બી.પ્રજાપતિ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે. આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાંચ ન્યુ ક્લોથ માર્કેટ વિંગ આર્થિક ગુના શાખામા પીએસઆઈ આર.જી.દેસાઈ ચલાવી રહ્યા છે.