Last Updated on by Sampurna Samachar
આરોપી ૨૫૦૦ ની ટિકિટ ૧૦ હજારમાં અને ૪૫૦૦ રૂપિયાની ટિકિટ ૧૫ હજારમાં વેચવાનો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૫ અને ૨૬ જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડ પ્લે યોજાવાનો છે. ત્યારે આ કોન્સર્ટને લઇને યુવાધનમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેના કારણે ટિકિટોની કાળા બજારી કરનાર લોકો પણ સક્રિય થયા છે. આ કોન્સર્ટને લઇને સ્થાનિક પોલીસ, ક્રાઇમબ્રાંચ સહિતની એજન્સીઓ ખાનગી રાહે વોચ રાખી રહી છે. તેવામાં ચાંદખેડા પોલીસે કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચનાર એક યુવકની ધરપકડ કરી હતી.
આ ટિકીટના કાળા કારોબાર વેચાણના મામલામાં પોલીસે આરોપી પાસેથી છ ટિકિટ કબજે કરી હતી. આરોપી પાસેથી મળેલી ટિકિટોમાં ૨૫૦૦ રૂપિયાની ટિકિટ ૧૦ હજારમાં અને ૪૫૦૦ રૂપિયાની ટિકિટ ૧૫ હજારમાં વેચાણ કરવાનો હોવાનું ખુલ્યું છે.
ચાંદખેડાના પીઆઇ નિકુંજ સોલંકીની ટીમ બ્લેકમાં ટિકિટ વેચનારાઓ પર વોચ રાખીને બેઠી હતી. તેવામાં બાતમી મળી હતી કે એક યુવક કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચી રહ્યો છે. જેના આધારે આઇઓસી રોડ પરથી અક્ષય પટેલ (રહે. સોલીટર સ્ક્વેર, નિકોલ) નામના આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી પાસેથી કોલ્ડ પ્લેના કોન્સર્ટની છ ટિકિટ મળી આવી હતી. ૨૬ જાન્યુઆરીના દિવસની ટિકિટ આરોપી બ્લેકમાં વેચવા માટે આઈઓસી રોડ પર ઊભો હતો. આરોપી પાસેથી રૂ. ૨૫૦૦ની ૪ અને રૂ. ૪૫૦૦ રૂપિયાની બે ટિકિટ મળી આવી હતી. આરોપી અક્ષય ૨૫૦૦ ની ટિકિટ ૧૦ હજારમાં અને ૪૫૦૦ રૂપિયાની ટિકિટ ૧૫ હજારમાં વેચવાનો હતો.