Last Updated on by Sampurna Samachar
એસ્ટેટ ખાતાની કામગીરી માટે ૨૦ જવાન ફાળવવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરનાં જાહેર માર્ગો ઉપરનાં દબાણો તેમજ ગેરકાયદે બાંધકામો દૂર કરવા અને રખડતાં ઢોર પકડવા જતી મ્યુનિસિપલ ટીમો ઉપર હુમલાનાં બનાવને ધ્યાને લઇ સુરક્ષા માટે SRP ની ટુકડીઓ ફાળવવામાં આવી છે.
મ્યુનિસિપલ સૂત્રોનાં જણાવ્યા અનુસાર, શહેરનાં ભદ્ર કે શાકમાર્કેટ જેવા વિસ્તારોમાં રોડ ઉપર લારીગલ્લાનાં દબાણો હટાવવા જતી મ્યુનિ. ટીમો સાથે ફેરિયાઓ ઘર્ષણમાં ઉતરતાં હોય છે. ક્યાંક ક્યાંક ઝપાઝપી અને મારામારી પણ થતી હોય છે. આવા સંજોગોમાં મ્યુનિ. ટીમોને સ્થળ છોડી ભાગવુ પડતુ હોય છે તેમજ દબાણ હટાવવા જેવી કામગીરી માટે પોલીસ બંદોબસ્ત મળે નહિ તે સ્વભાવિક છે. તેથી એસ્ટેટ ખાતા દ્વારા બહાના કાઢવામાં આવે છે અને કામગીરી અસરકારક રીતે કરવામાં આવતી નથી. તેવી જ રીતે ગેરકાયદે બાંધકામો તોડવા માટે પણ એસ્ટેટ ખાતા દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવે છે, તેમાં આશ્ચર્યજનક બાબત એ છે કે, ચોક્કસ વિસ્તારો સિવાયનાં વિસ્તારોમાં પણ બાંધકામ તોડવા માટે બંદોબસ્ત માંગવામાં આવતો હોય છે.
પોલીસ પણ બંદોબસ્ત આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતાં હોઇ ગેરકાયદે બાંધકામ કરનારાને તેનુ બાંધકામ બચાવવા માટે ઉપાયો કરવાની તક મળી જતી હોય છે.
એસ્ટેટ ખાતાની દબાણ અને ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરીમાં દર વખતે પોલીસ બંદોબસ્ત મળે તે જરૂરી હોતુ નથી. આ બાબતને ધ્યાને લઇ મ્યુનિ.કમિશનરે એસ્ટેટ ખાતાની આ પ્રકારની કામગીરીમાં કર્મચારીઓની સુરક્ષા માટે એસઆરપીની ટીમો ફાળવવાનો ર્નિણય લીધો છે. તેના કારણે હવે એસ્ટેટ ખાતાનાં અધિકારીઓની પોલીસ બંદોબસ્ત નથી તેવી બહાનાબાજી ચાલશે નહિ.
તેવી જ રીતે જાહેર માર્ગો ઉપર રખડતાં ઢોર પકડવાની કામગીરી કરતી મ્યુનિ. સીએનસીડી ખાતાની ટીમો ઉપર અનેકવાર પશુપાલકો હુમલા કરતાં હોય છે. તેથી હુમલો થયાં બાદ પોલીસ બોલાવાતી હોય છે, પરંતુ તે પહેલાં સુરક્ષા માટે એસઆરપીની ટુકડીઓ ફાળવવામાં આવી છે. સીએનસીડી ખાતાની કામગીરી માટે ૪૮ SRP જવાન ફાળવવામાં આવ્યા છે.
જ્યારે એસ્ટેટ ખાતાની કામગીરી માટે ૨૦ જવાન ફાળવવામાં આવ્યા છે, પરંતુ સાત ઝોનનાં એસ્ટેટ ખાતા દ્વારા ચોક્કસ વિસ્તારોમાં દબાણ હટાવવા માટે તેમજ ગેરકાયદે બાંધકામ તોડવા જતાં પહેલાં મ્યુનિ.સિક્યોરિટી વિભાગને જાણ કરી SRP બંદોબસ્ત ફાળવવા માંગણી કરવાની રહેશે.