Last Updated on by Sampurna Samachar
કાર્નિવલ ફેસ્ટિવલ પહેલાં પ્રવાસીઓ માટે ટ્રેન શરુ કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ફરવા લાયક સ્થળમાં સૌથી પહેલું નામ જો કોઈ મોઢે આવે તો તે કાંકરિયા તળાવ છે. પરંતુ, છેલ્લા ઘણાં સમયથી કાંકરિયાની રોનક ગણાતી અટલ સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન બંધ હતી. પરંતુ હવે પ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ૨૫ ડિસેમ્બરથી શરુ થતાં કાર્નિવલ ફેસ્ટિવલ પહેલાં પ્રવાસીઓ માટે આ ટ્રેન ફરી શરુ કરવામાં આવી છે.
નાતાલના દિવસથી શરુ થતા પાંચ દિવસના કાર્નિવલ ફેસ્ટિવલમાં દૂર-દૂરથી લોકો ઉજવણી માટે આવે છે. ત્યારે લોકચાહનાને ધ્યાને રાખીને કાંકરિયામાં ફરી અટલ એક્સપ્રેસ ટ્રેન શરુ કરવામાં આવી છે. મેયર પ્રતિભા જૈન સહિત શાસક પક્ષના હોદ્દેદારો દ્વારા અટલ એક્સપ્રેસને લીલી ઝંડી આપીને કાંકરિયાની રોનકને પરત લાવવામાં આવી છે.
આ ટ્રેનની મુસાફરી કરવા માટે ૧૨ વર્ષથી વધુ વયના વ્યક્તિ માટે ટિકિટનો દર ૩૦ રૂપિયા રાખવામાં આવ્યો છે. તેમજ ૩થી ૧૨ વર્ષના બાળકો માટે ૧૨ રૂપિયા ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો છે. આ સિવાય પ્રવાસ માટે બાળક દીઠ ૧૨ રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદથી ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના તમામ અમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દીધા હતા. જેના પગલે કાંકરિયા પરિસરમાં ચાલતી અટલ એક્સ્પ્રેસ ટ્રેનને પણ બંધ કરી દેવાઈ હતી. જેને હવે કાર્નિવલ ફેસ્ટિવલ પહેલાં ફરીથી શરુ કરી દેવામાં આવી છે. જેનો તમામ પ્રવાસીઓ આનંદ માણી શકશે.