Last Updated on by Sampurna Samachar
આહવા ખાતે કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત રાજ્યમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૬-૦૬ માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ ની ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. અને સરકાર દ્વારા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજી ખેડુતોને ખેતીની જાણકારી આપવામાં આવે છે તેમજ વિવિધ યોજનાકીય સહાય આપવામાં આવે છે ત્યારે તેનો લાભ લેવાં, આહવા ખાતે રવિ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ તેમજ આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ ચૌધરીએ ખેડુતોને અપીલ કરી હતી.
સાથે જ દરેક લોકો ખેતી સાથે જોડાઇ પ્રાકૃતિક ખેતી કરે તે માટે ખેડુતોને આહવાન કર્યું હતું. રવિ પાક માટે આધુનિક કૃષિની તાંત્રિક મંજુરી મળી રહે તે માટે કૃષિ લક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક કૃષિની જાણકારી મળી રહે તે માટે સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષ થી રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેમ ડાંગ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા ખેતીવાડી અધિકારી બાલુ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિક પ્રતીક પી જાવીયાએ મિલેટ્સના પાકો વિશે જાણકારી આપી હતી. ડાંગનું પ્રખ્યાત મિલેટ્સ નાગલી (રાગી) ની ખેતીમાં વધારો કરી તેનું મહત્વ વધારવા અને મિલેટ્સના ઉપયોગ થી ખેડૂતની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય તે માટે પ્રયત્ન કરવા ખેડૂતોને જણાવ્યું હતું.
ખેતી વિશે સાચી જાણકારી મેળવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ખેતી કરવા કૃષિ વૈજ્ઞાનિક જીગ્નેશ ડોબરીયાએ જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરનાર ભુરાપાણી ગામના પ્રગતિશીલ ખેડૂત યશવંતભાઈ સહારેએ પ્રાકૃતિક ખેતીના ફાયદા તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આયમ વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. ડાંગ જિલ્લાના આહવા સુબીર અને વઘઈ તાલુકામાં યોજાયેલ રવિ કૃષિ મહોત્સવમાં પ્રદર્શન, મિલેટ પાકોની વૈજ્ઞાનિક ખેતી, જમીન ચકાસણી માટેના સ્ટોલ, ડ્રોન ટેક્નોલોજી, અન્ન વાનગીઓના સ્ટોલ જેવા વિવિધ ૧૫ જેટલાં સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ ખેતી સાધનો, તેમજ વિવિધ યોજના અંતર્ગત લાભ મેળવનાર ખેડૂતોને મંજૂરી હુકમ તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં બનાસકાંઠા કૃષિ યુનિવર્સીટી દાંતીવાડા થી રાજ્ય કક્ષાના કૃષિ મહોત્સવનો પ્રારંભ કરનાર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો.