Last Updated on by Sampurna Samachar
આ નેટવર્ક માટે વિદેશથી ૧૦૦ કરોડથી વધુનુ ફંડિગ
હિન્દુ છોકરીઓના ધર્માંતરણની કાયદેસર રીતે ફી નક્કી થતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના બલરામપુરમાં ગેરકાયદે ધર્માંતરણના મોટા નેટવર્કનો પર્દાફાશ થયા બાદ અત્યંત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ગેંગનો લીડર જમાલુદ્દીન ઉર્ફે છાંગુરબાબા અને સહયોગી નીતુ રોહરા ઉર્ફે નસરીનને યુપી ATS એ દબોચી લીધા છે.
ઉલ્લેખનીય છે કે જમાલુદ્દીન પર છોકરીઓને ફોસલાવીને જબરદસ્તીથી ધર્માંતરણ કરાવવાનો આરોપ છે. જ્યાં આ નેટવર્ક માટે વિદેશથી ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ફંડિંગ મળ્યાની વાતો સામે આવી રહી છે. આ નેટવર્ક બલરામપુરના ઉટરૌલા કસ્બામાં લાંબા સમયથી ચાલતું હતું.
છોકરીઓને ફોસલાવીને ધર્માંતરણ માટે પ્રેરિત કરતો
પોલીસના જણાવ્યાં મુજબ આ ગેંગમાં હિન્દુ છોકરીઓના ધર્માંતરણની કાયદેસર રીતે એક ફી નક્કી હતી. મીડિયા રિપોર્ટ મુજબ બ્રાહ્મણ, ઠાકુર અને શીખ છોકરીનું ધર્મ પરિવર્તન કરાવવા પર ૧૫ થી ૧૬ લાખ રૂપિયા મળતા હતા. પછાત જાતિની છોકરીઓનું ધર્મ પરિવર્તન કરાવવા માટે ૧૦ થી ૧૨ લાખ રૂપિયા અપાતા હતા. અન્ય જાતિઓ માટે ૮ થી ૧૦ લાખ રૂપિયા મળતા હતા.
મળતા રિપોર્ટ પ્રમાણે બલરામપુરના ઉટરૌલા કસ્બામાં એક વ્યક્તિ છાંગુર બાબા ઉર્ફે જમાલુદ્દીન બાબા પોતાને હાજી પીર જલાલુદ્દીનના નામથી પ્રચાર કરે છે. તે એક સંગઠિત ધર્માંતરણ નેટવર્ક ચલાવે છે. એવું જાણમાં આવ્યું કે આરોપી પોતાના એજન્ટો દ્વાર છોકરીઓને ફોસલાવીને ધર્માંતરણ માટે પ્રેરિત કરતો હતો. એ પણ સામે આવ્યું છે કે આ નેટવર્કને ૧૦૦ કરોડથી વધુનું વિદેશી ફંડિંગ મળ્યું છે. જેનો ઉપયોગ ધર્માંતરણના કામ માટે કરાતો હતો.
જમાલુદ્દીન બાબાએ અત્યાર સુધીમાં ૪૦ થી ૫૦ વખત ઈસ્લામિક દેશોનો પ્રવાસ કર્યો છે. બલરામપુરમાં તેણે અનેક સંપત્તિઓ ખરીદી છે. તેના વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે અને યુપી એટીએસ તપાસ કરી રહી છે. હાલ આ મામલે બે લોકોની ધરપકડ થઈ છે અને STF નું કહેવું છે કે આ નેટવર્કની પહોંચ સમગ્ર ભારતમાં છે. વિદેશી ફંડિંગ ખાસ કરીને ખાડી દેશોથી આવવાની વાત સામે આવી છે. જેની તપાસ થઈ રહી છે.
બલરામપુરના ગામ મધપુરથી (ઉટરૌલા પોલીસ મથક) છાંગુર બાબા નસરીન અને મહેબૂબ સહિત અનેક શંકાસ્પદો વિરુદ્ધ ફરિયાદો મળી હતી. આરોપ છે કે તેમણે એક વર્ષમાં જ વિદેશી ફંડિંગથી બંગલા, લક્ઝરી ગાડીઓ અને શોરૂમ ખરીદ્યા. છાંગુર બાબા ઉર્ફે જમાલુદ્દીન મુંબઈના રહીશ નવીન ઘનશ્યામ રોહરા, તેમની પત્ની નીતુ અને પુત્રી સમાલેનું બ્રેઈનવોશ કરીને તેમને ઈસ્લામ ધર્મ અપનાવવા માટે પ્રેરિત કર્યા. ધર્મ બદલ્યા બાદ ત્રણે જણે પોતાના જમાલુદ્દીન, નસરીન અને સબીહા નામ અપનાવી લીધા.
એ જ રીતે લખનઉની ગુંજા ગુપ્તાનું આરોપી અબુ અંસારીએ પોતાને અમિત બતાવીને પ્રેમજાળમાં ફસાવી અને પછી છાંગુર બાબાની દરગાહ લઈ જઈને નીતુ રોહરા અને જમાલુદ્દીનની મદદથી બ્રેઈનવોશ કરીને ઈસ્લામ કબૂલ કરાવ્યો. તેનું નવું નામ અલીના અન્સારી રાખવામાં આવ્યું.