Last Updated on by Sampurna Samachar
‘અમે કંઈ કરીએ તે પહેલા જ ભારતે એરબેઝ પર હુમલો કર્યો’
પાકિસ્તાનના ઇશાક ડારે ઇન્ટરવ્યૂમાં કરી કબુલાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી દરમિયાન ભારતીય સેનાના વિવિધ દાવાઓને નકારી રહેલી પાકિસ્તાન સરકાર હવે સત્યનો સ્વીકાર કરતી જોવા મળી છે. પાકિસ્તાનના નાયબ પ્રધાનમંત્રી ઈશાક ડારે ખાતરી આપી છે કે, ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના રાવલપિંડીમાં નૂર ખાન એરબેઝ અને શોરકોટ એરબેઝ પર એરસ્ટ્રાઈક કરી હતી. ઓપરેશન સિંદૂરમાં ભારતના હુમલામાં થયેલા વિવિધ નુકસાનને ખોટા ઠેરવી રહેલા પાકિસ્તાને આ નિવેદન સાથે પોતે જ પોતાના જુઠાણાનો પર્દાફાશ કર્યો છે.
ડારે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ ભારતે ઝડપી કાર્યવાહી હાથ ધરી અમારા એરબેઝ પર હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે, કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલના રોજ આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોની હત્યાનો બદલો લેવા ભારતે સાત મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું.
બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી તંગદિલી રહી
જેમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાં નષ્ટ કરી ૧૦૦થી વધુ આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો. બાદમાં બંને દેશો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. ભારતીય સેનાએ એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનના એર ડિફેન્સ યુનિટ પર પણ હુમલો કર્યો હતો. જોકે, આ દાવાને પાકિસ્તાન ફગાવતું આવ્યું હતું.
ડારે આગળ જણાવ્યું કે, ભારતની એરસ્ટ્રાઈકના ૪૫ મિનિટમાં જ અમને સાઉદી પ્રિન્સ ફૈઝલ બિન સલમાનનો ફોન આવ્યો હતો. તેમણે અમને કહ્યું હતું કે, જો તેઓ કહે તો તે જયશંકર સાથે વાત કરે કે, પાકિસ્તાન આ તંગદિલી રોકવા તૈયાર છે.
પ્રિન્સ પાકિસ્તાન તરફથી શાંતિ સ્થાપિત કરવા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરવા તૈયાર હતાં. રિયાધે ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ દૂર કરવાના પ્રયાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઈસ્લામાબાદે યુદ્ધવિરામ માટે અમેરિકા સાથે પણ સંપર્ક સાધ્યો હતો.
ડારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને અન્ય ટોચના અધિકારીઓના દાવાની વિરૂદ્ધ નિવેદન આપતાં સ્વીકાર્યું હતું કે, તેઓએ ભારતને મજબૂત જવાબ આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ બાદમાં યુદ્ધ વિરામ માટે માની ગયા હતાં. વડાપ્રધાન શરીફે પણ સ્વીકાર્યું હતું કે, ભારતે રાવલપિંડી એરપોર્ટ સહિત પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં બ્રહ્મોસ મિસાઈલ વડે હુમલા કર્યા હતાં. શરીફે હાલમાં જ કહ્યું હતું કે, ભારતે બ્રહ્મોસ મિસાઈલ વડે હુમલા કરી રાવલપિંડી એરપોર્ટ સહિત અન્ય સ્થળોને ટાર્ગેટ બનાવ્યા હતાં.
ડારે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન ૧૦ મેના રોજ સવારે ૪.૩૦ વાગ્યે ભારત પર વળતો પ્રહાર કરવા માગતું હતું. પરંતુ ભારતના ૯-૧૦ મેની રાત્રે બીજા રાઉન્ડની સ્ટ્રાઈકે અમારી યોજના પર પાણી ફેરવી દીધુ હતું. ડારનું આ નિવેદન દર્શાવે છે કે, ભારતીય સેના પાકિસ્તાનની એક-પછી એક યોજનાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી રહી હતી.
પહલગામ આતંકી હુમલા બાદથી પાકિસ્તાન સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. બાદમાં ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું. ઓપરેશન સિંદૂર બાદ આઠ, નવ અને દસ તારીખે પાકિસ્તાને ભારતીય સૈન્ય મથકો પર હુમલા કર્યા હતા. પરંતુ ભારતે તેના ડ્રોન અને મિસાઈલ અટેકને નિષ્ફળ બનાવ્યા હતાં. તેમજ પાકિસ્તાનના એરબેઝ પર હુમલો કરી તેને નષ્ટ કર્યા હતાં. બંને દેશો વચ્ચે ચાર દિવસ સુધી તંગદિલી રહી હતી. બાદમાં ૧૦ મેના રોજ બંને દેશ યુદ્ધવિરામ માટે સહમત થયા હતાં.