Last Updated on by Sampurna Samachar
‘અમે જીવવા માંગીએ છીએ, ટકી રહેવા નહીં” ના સૂત્રો સાથે મેદાનમાં ઉતર્યા
૨૨ લોકોના મોત જ્યારે ૧૦૦ ઘાયલ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળમાં હિંસક આંદોલન કરી Gen Z દ્વારા સરકાર ઉથલાવી દેવામાં આવતાં હવે વિવિધ દેશોના Gen Z એ પોતાના દેશની સરકાર વિરૂદ્ધ આંદોલન છેડ્યું છે. નેપાળ બાદ ઈસ્ટ તિમોર અને હવે મડાગાસ્કરમાં Gen Z આંદોલન ઉગ્ર બન્યું છે. હજારો Gen Z મડાગાસ્કરની સરકાર વિરૂદ્ધ પાણી અને વીજકાપ મુદ્દે દેખાવો કરતાં રસ્તા પર ઉતર્યા છે. આ આંદોલન મડાગાસ્કરની સરકાર ઉથલાવવાની તૈયારીમાં છે.
આ દેશના હજારો યુવાનો ‘અમે જીવવા માંગીએ છીએ, ટકી રહેવા નહીં” ના સૂત્રો સાથે રસ્તા પર દેખાવો કરી રહ્યા છે. આ આંદોલનકારીઓ પર કાબૂ મેળવવા સુરક્ષા દળો દ્વારા ગોળીબાર કરવામાં આવતાં હિંસા થઈ હતી. જેમાં ૨૨ લોકોના મોત થયા છે, જ્યારે ૧૦૦ ઘાયલ થયા હતાં.
મડાગાસ્કર અનેક બળવાઓથી હચમચી ગયું
મડાગાસ્કરના પ્રમુખ એન્ડ્રી રાજોએલિનાએ આ મામલે જણાવ્યું હતું કે, લાંબા સમયથી ચાલી રહેલા પાણી અને વીજ કાપ માટે ચાલી રહેલા દેખાવોના કારણે અમે સરકારનું વિસર્જન કરીશું. સરકારના સભ્યોએ તેમને સોંપવામાં આવેલા કાર્યો સમયસર પૂર્ણ કર્યા નથી, તેનો અમે સ્વીકાર કરીએ છીએ અને માફી માગીએ છીએ.
યુએનના માનવાધિકારના અધ્યક્ષે મડાગાસ્કરમાં આંદોલનકારીઓ પર સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોની આક્રમક કાર્યવાહીના કારણે મડાગાસ્કરના ૨૨ યુવાનો માર્યા ગયા છે, અને ૧૦૦ ઘાયલ થયા છે. જોકે, મડાગાસ્કરના વિદેશ મંત્રાલયે યુએનના આ દાવાને ફગાવી દીધો છે. તેણે મોતના આંકડાઓ ખોટા હોવાનું નિવેદન આપ્યું છે.
મડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારીવોમાંથી શરૂ થયેલું આ આંદોલન દેશના આઠ શહેરોમાં ફેલાયું છે. હિંસા અને લૂંટફાટના અહેવાલો બાદ એન્ટાનાનારીવોમાં સાંજથી સવાર સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, પોલીસે ભીડને વિખેરવા માટે રબર બુલેટ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
ેંદ્ગ અનુસાર, સુરક્ષા દળો દ્વારા કાર્યવાહી હાથ ધરાતાં લોકોના મોત થયા છે. વધુમાં લૂંટફાટ અને હિંસાના કારણે પણ ઘણા લોકોના મોત થયા હતાં. ગયા અઠવાડિયે, મડાગાસ્કરના પ્રમુખે જાહેરાત કરી હતી કે તેમણે ઉર્જા મંત્રીને તેમનું કામ યોગ્ય રીતે કરવામાં નિષ્ફળ રહેવા બદલ બરતરફ કર્યા છે, પરંતુ પ્રદર્શનકારીઓએ પ્રમુખ અને તેમની સરકારના અન્ય સભ્યોને રાજીનામું આપી દેવાની માંગ કરી હતી.
૧૯૬૦માં સ્વતંત્રતા મળી ત્યારથી મડાગાસ્કર અનેક બળવાઓથી હચમચી ગયું છે, જેમાં ૨૦૦૯માં થયેલા મોટાપાયે વિરોધ પ્રદર્શનો સમાવિષ્ટ છે જેના કારણે ભૂતપૂર્વ પ્રમુખ માર્ક રાવલોમનાનાને પદ છોડવાની ફરજ પડી હતી અને ત્યારબાદ રાજોએલિના સત્તા પર આવ્યા હતા.