Last Updated on by Sampurna Samachar
Contents
એર ઈન્ડિયાએ ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જમાં કર્યો વધારો
ડોમેસ્ટિક રૂટ પર ટિકિટ ૩૯૯ રૂપિયા સુધી થશે મોંઘી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન યુદ્ધને લીધે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર ભારતમાં રાંધણ ગેસ બાદ હવે હવાઈ મુસાફરી પર પણ પડી રહી છે. ઈંધણની વધતી કિંમતોને કારણે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે ટિકિટો પર ફ્યુઅલ સરચાર્જ વધારવાનો ર્નિણય કર્યો છે. એરલાઈન કંપનીએ જાહેરાત કરી છે કે, ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બન્ને પ્રકારની ફ્લાઈટ્સ પર આ વધારો તબક્કાવાર લાગુ કરવામાં આવશે.

એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, હાલમાં ફ્યુઅલ સરચાર્જમાં વધારો ફેઝ-૧ અને ફેઝ-૨ હેઠળ લાગુ કરવામાં આવી રહ્યો છે.
ભારતના ડોમેસ્ટિક રૂટ અને SAARC દેશો માટે ફ્લાઈટ ટિકિટ લગભગ ૩૯૯ રૂપિયા સુધી મોંઘી થઈ જશે. જ્યારે પશ્ચિમ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકા માટેની ફ્લાઈટ્સ પરે ફ્યુઅલ સરચાર્જ અનુક્રમે ૧૦ ડોલર, ૨૦ ડોલર અને ૩૦ ડોલરસુધી વધારવામાં આવ્યો છે.
LPG સિલિન્ડરની અછતને લઈને અફરાતફરી
એર ઈન્ડિયાએ જણાવ્યું કે, આ ર્નિણય જેટ ઈંધણના ભાવમાં અચાનક આવેલા તીવ્ર ઉછાળાને કારણે લેવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, માર્ચ ૨૦૨૬ની શરૂઆતથી જ એવિએશન ટર્બાઇન ફ્યુઅલનો ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.મિડલ ઈસ્ટમાં તણાવને કારણે મહત્વપૂર્ણ દરિયાઈ પરિવહન માર્ગો અવરોધાયા છે, જેના કારણે તેલ અને ગેસનો પુરવઠો પહોંચી રહ્યો નથી. ભારત પોતાની ઘરેલું જરૂરિયાતના લગભગ ૫૦% તેલ અને ગેસ ખાડી દેશોમાંથી આયાત કરે છે.
આ કારણે ભારતમાં હોટલ અને રેસ્ટોરન્ટ્સને રાંધણ ગેસની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતની ઓઈલ કંપનીઓએ બે દિવસ પહેલા જ ડોમેસ્ટિક LPG ભાવમાં ૬૦ રૂપિયા અને કોમર્શિયલ LPG ભાવમાં ૧૧૫ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો હતો. સામાન્ય જનતામાં પણ LPG સિલિન્ડરની અછતને લઈને અફરાતફરી મચી છે.
તેની અસર ભારતના એવિએશન સેક્ટર પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
ભારતમાં એરલાઇન કંપનીઓ પર આ દબાણ વધુ વધી જાય છે, કારણ કે દિલ્હી અને મુંબઈ જેવા મોટા મહાનગરોમાં ATF પર ઊંચી એક્સાઇઝ ડ્યુટી અને વેટ લાદવામાં આવે છે. આના કારણે એરલાઇન્સના ઓપરેશનલ ખર્ચમાં વધુ વધારો થાય છે અને કંપનીઓ માટે ખર્ચને પહોંચી વળવું પડકારજનક બની જાય છે.
એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે, નવી ફ્યુઅલ સરચાર્જ વ્યવસ્થા ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે તમામ ફ્લાઇટ્સ પર લાગુ થશે. પશ્ચિમ એશિયામાં તણાવ જલ્દી શાંત નહીં થાય અને ઇંધણના ભાવ આ જ રીતે વધતા રહેશે, તો આગામી સમયમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી થઈ શકે છે.