Last Updated on by Sampurna Samachar
મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
રસમલાઈ અને પોપટછાપ બ્રાન્ડના ગોળના ૬ નમૂના ફેલ; સિન્થેટિક ફૂડ કલર પકડાતા ૨ વેપારી કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બજારમાં હવે ખાવાપીવાની વસ્તુઓમાં ભેળસેળ એટલી હદે વધી ગઈ છે કે લોકોએ શું ખાવું અને શું ન ખાવું તે એક મોટો સવાલ બની ગયો છે. તાજેતરમાં જ બજારમાં નકલી પનીર વેચાતું હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે હવે આપણા રોજિંદા ખોરાકમાં બારેમાસ વપરાતા દેશી ગોળમાં પણ મોટા પાયે ભેળસેળનો પર્દાફાશ થયો છે.

મહેસાણામાં ફૂડ વિભાગે પાડેલા દરોડામાં જાણીતી બ્રાન્ડના ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલર મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ફૂડ વિભાગે ટેસ્ટિંગમાં ૬ જેટલા સેમ્પલ ફેલ થતાં આ ગોળનું વેચાણ કરતી બે મોટી પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેમિકલયુક્ત કલરનો ઉપયોગ કરવામાં આવતો
મળતી માહિતી મુજબ, ચોક્કસ બાતમીના આધારે મહેસાણા જિલ્લાના ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમે શહેરમાં દેશી અને સફેદ ગોળના વેચાણને લઈને સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ટીમે ડેડિયાસણમાં આવેલી હરિકૃષ્ણ માર્કેટિંગ અને માલ ગોડાઉન રોડ પર રામકૃષ્ણ માર્કેટમાં આવેલી પટેલ સતીશકુમાર મોહનલાલ ની પેઢી પર અચાનક દરોડા પાડ્યા હતા.
આ દરોડા દરમિયાન લેવામાં આવેલા ગોળના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા હતા. જેમાંથી હરિકૃષ્ણ માર્કેટિંગમાંથી લેવાયેલા ૬ પૈકી ૪ નમૂના અને રામકૃષ્ણ માર્કેટની પેઢીમાંથી લેવાયેલા ૨ નમૂના ટેસ્ટમાં સદંતર નાપાસ જાહેર થયા છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, લોકો જે રસમલાઈ અને પોપટછાપ જેવી પ્રખ્યાત બ્રાન્ડનો ગોળ હોંશે હોંશે ખાય છે, તેમાં સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે તેવા અને સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા સિન્થેટિક ફૂડ કલર ની ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. ગોળને આકર્ષક દેખાડવા માટે આ પ્રકારના કેમિકલયુક્ત કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો.
લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં કરતા આ કાળાબજારિયાઓ સામે ફૂડ વિભાગે હવે લાલ આંખ કરી છે. ગોળમાં ઝેરી કલરની ભેળસેળનો આખો મામલો સામે આવતા, ફૂડ વિભાગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા શહેરમાં આ ભેળસેળયુક્ત ગોળનું મોટા પાયે વેચાણ કરતા આ બંને મુખ્ય ડિસ્ટ્રિબ્યુટર સામે કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.