Last Updated on by Sampurna Samachar
ચીને ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવમાં મધ્યસ્થતા કરી
વિશ્વમાં સંઘર્ષો અને અસ્થિરતામાં નોંધપાત્ર વધારો થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં થયેલા સીઝફાયર મુદ્દે હવે ડોનાલ્ડ ટ્રમ્પ બાદ ચીને પણ વિવાદાસ્પદ દાવો કર્યો છે. ભારત દ્વારા કડક વિરોધ અને કોઈપણ ત્રીજા પક્ષની ભૂમિકાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હોવા છતાં, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ દાવો કર્યો છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવમાં ચીને મધ્યસ્થતાની ભૂમિકા ભજવી હતી.

બીજિંગમાં આંતરરાષ્ટ્રીય સ્થિતિ અને વિદેશ સંબંધો પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા વાંગ યીએ કહ્યું કે, વિશ્વમાં સંઘર્ષો અને અસ્થિરતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે અગાઉની સરખામણીએ સ્થાનિક યુદ્ધો અને સરહદી સંઘર્ષો વધુ જોવા મળ્યા છે.
ચીને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોના ઉકેલમાં ન્યાયપૂર્ણ વલણ અપનાવ્યું
વાંગ યીએ વધુમાં કહ્યું કે, ચીને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોના ઉકેલમાં ન્યાયપૂર્ણ વલણ અપનાવ્યું છે. અમે ઉત્તરી મ્યાનમાર, ઈરાન પરમાણુ મુદ્દો, પાકિસ્તાન-ભારત વચ્ચેનો તણાવ, પેલેસ્ટાઈન-ઈઝરાયલ અને તાજેતરમાં કંબોડિયા-થાઇલૅન્ડ વચ્ચેના સંઘર્ષમાં મધ્યસ્થતા કરી છે.
ચીની વિદેશ મંત્રી વાંગ યીનું આ વિવાદાસ્પદ નિવેદન ૨૨ એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં આવ્યું છે. જોકે, ભારત આ મામલે સતત સ્પષ્ટતા કરતું રહ્યું છે કે ચાર દિવસ સુધી ચાલેલા આ તીવ્ર સંઘર્ષમાં કોઈ પણ ત્રીજા દેશનો હસ્તક્ષેપ કે મધ્યસ્થતા નહોતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો સૈન્ય સંવાદ સ્થાપિત થયો હતો અને તે પ્રક્રિયાના અંતે જ યુદ્ધવિરામનો ર્નિણય લેવાયો હતો. આ જ બાબતે ગંભીરતા દાખવતા, ભારતના વિદેશ મંત્રાલયે ૧૩ મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને બાહ્ય મધ્યસ્થતાના તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા હતા અને પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત તેના દ્વિપક્ષીય મુદ્દાઓમાં કોઈ પણ ત્રીજા પક્ષની ભૂમિકા સ્વીકારતું નથી.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથેના મુદ્દાઓ માત્ર બે દેશો વચ્ચેના છે અને તેમાં કોઈ ત્રીજો પક્ષ અનિવાર્ય નથી. એક તરફ ચીન પાકિસ્તાનને ૮૧ ટકા જેટલા લશ્કરી સાધનો પૂરા પાડીને તેનું સૌથી મોટું હથિયાર સપ્લાયર બન્યું છે, તો બીજી તરફ તે મધ્યસ્થતાનો દાવો કરી રહ્યું છે-જે બાબત તર્કસંગત લાગતી નથી અને શંકાસ્પદ જણાય છે.