Last Updated on by Sampurna Samachar
રાજ્યમાં કમોસમી વરસાદની અસર મગફળી પર જોવા મળી
૧૫ કિલોના ડબ્બાનો ભાવ ૨૩૮૦ થી ૨૪૩૦ પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં મગફળીના પાક પર વરસાદની સીધી અસર થવાને કારણે બજારમાં આવક ઘટવાની શક્યતા છે. દિવાળીના તહેવાર બાદ સિંગતેલના ભાવમાં જોવા મળી રહેલા સતત ઘટાડા પર હવે અલ્પવિરામ મુકાયું છે.

લાંબા સમયથી ચાલી રહેલા ઘટાડાના વલણ બાદ સિંગતેલના ભાવમાં ડબ્બે ૧૫ રૂપિયાનો નજીવો વધારો નોંધાયો છે. નવા ભાવ વધારા સાથે રાજકોટ બજારમાં સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ ૨૩૮૦ થી ૨૪૩૦ બોલાયો હતો.
સિંગતેલના ભાવમાં ઘટાડો થવાની પૂરી શક્યતા
બજારના જાણકારોના મતે, આ નજીવા ભાવ વધારા પાછળ મુખ્યત્વે સતત વરસાદી વાતાવરણ જવાબદાર છે. ચોમાસાની વિદાય બાદ પણ કેટલાક વિસ્તારોમાં અવારનવાર વરસાદી ઝાપટાં પડવાના કારણે બજારમાં પીલાણ યુક્ત મગફળીની આવક ઘટી છે. વરસાદના કારણે મગફળીની ગુણવત્તા પર પણ અસર થતા, સારી ગુણવત્તાવાળી મગફળીની ઓછી આવક થઈ છે, જેના પરિણામે ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે.
હાલના ભાવ વધારાને માત્ર અસ્થાયી ગણવામાં આવી રહ્યો છે. ખેડૂતો અને વેપારીઓના મતે, આવનારા દિવસોમાં જો મગફળીની બમ્પર આવક થશે, તો સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થવાની પૂરી શક્યતાઓ રહેલી છે. જો બજારમાં પુષ્કળ માત્રામાં અને સારી ગુણવત્તાવાળી મગફળી ઉપલબ્ધ થશે, તો ગ્રાહકોને ફરી એકવાર તેલના સસ્તા ભાવનો લાભ મળી શકે છે.
 
				 
								