Last Updated on by Sampurna Samachar
વર્ષ ૨૫-૨૬માં ભારતની જીડીપી વૃદ્ધિ ૬.૬ ટકા રહેશે
આ બાબતમાં ચીન ભારત કરતાં ઘણું પાછળ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત પર જંગી ટેરિફ નાંખવાની સાથે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અર્થતંત્રને ડેડ ઈકોનોમી ગણાવી હતી અને ભારતીય વિપક્ષે પણ તેમની આ વાતનું સમર્થન કર્યું હતું. પરંતુ ટ્રમ્પ અને વિપક્ષના દાવાઓથી વિપરિત વર્લ્ડ બેન્ક, ડેલોઈટ સહિત તમામ વૈશ્વિક સંસ્થાઓ ભારત દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે તેમ કહી રહી છે. હવે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે પણ કહ્યું છે કે નાણાકીય વર્ષ ૨૫-૨૬માં ભારતની જીડીપી વૃદ્ધિ ૬.૬ ટકા રહેશે અને આ બાબતમાં ચીન ભારત કરતાં ઘણું પાછળ રહેશે.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ તેના તાજા રિપોર્ટ વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકમાં કહ્યું છે કે ભારતનો જીડીપી વૃદ્ધિદર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૬ ટકા રહેવાની શક્યતા છે. આ આંકડા સાથે ભારત દુનિયાના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં સ્થાન જાળવી રાખશે. આઈએમએફે વધુમાં કહ્યું કે, પહેલા ત્રિમાસિકની મજબૂત આર્થિક પ્રવૃત્તિઓને જોતા આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં શાનદાર શરૂઆત કરી
૨૦૨૬ માટે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ આંશિક ઘટાડીને ૬.૨ ટકા રહેવાની ધારણા કરવામાં આવે છે. IMF મુજબ ભારત ચીનની સરખામણીમાં વધુ ઝડપથી આગળ વધશે. ચીનનો જીડીપી વૃદ્ધિનો અંદાજ ૪.૮ ટકા છે.
આ સિવાય વૈશ્વિક અર્થતંત્ર અંગે IMF નું કહેવું છે કે આ વર્ષે વૈશ્વિક ગ્રોથ રેટ ૩.૨ ટકા અને ૨૦૨૬માં ૩.૧ ટકા રહી શકે છે, જે અગાઉના પૂર્વાનુમાનો કરતા ઓછો છે. વિકસિત અર્થતંત્રોમાં સ્પેન ૨.૯ ટકાની જીડીપી વૃદ્ધિ સાથે સૌથી આગળ રહી શકે છે. બીજીબાજુ અમેરિકાનો ગ્રોથ રેટ ૧.૯ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.
આઈએમએફની પહેલા વર્લ્ડ બેન્કે પણ ભારતની ઝડપી વૃદ્ધિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વર્લ્ડ બેન્કે તેના રિપોર્ટમાં આશા વ્યક્ત કરતા ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ વધાર્યો હતો. વર્લ્ડ બેન્કે કહ્યું કે, મજબૂત ઘરેલુ વપરાશ અને કૃષિ તથા ગ્રામીણ મજૂરીમાં ખૂબ જ સારા દેખાવના પગલે નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતનો જીડીપી વૃદ્ધિદરનો અંદાજ અગાઉના ૬.૩ ટકાથી વધારીને ૬.૫ ટકા કરવામાં આવ્યો છે.
ડેલોઈટે પણ ભારતીય અર્થતંત્રનો વિકાસ જળવાઈ રહેશે તે બાબતને અનુમોદન આપ્યું હતું. ડેલોઈટે તેના રિપોર્ટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનું અર્થતંત્ર ૬.૭-૬.૯ટકાના દરે વિકાસ કરશે તેવી આશા છે.
ભારતની વૃદ્ધિનો અંદાજ વધારતા ડેલોઈટે કહ્યું, વૃદ્ધિના અંદાજમાં આ વધારો મોટાભાગના દેશોની સરખામણીમાં ભારતના મજબૂત થઈને ઉભરવાની નવી ભાવનાનો સંકેત આપે છે. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં શાનદાર શરૂઆત કરી છે અને એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ૭.૮ ટકા જીડીપી વૃદ્ધિ નોંધાવી છે, જે આશા કરતાં ઘણી વધુ છે.