Last Updated on by Sampurna Samachar
હાઇકોર્ટને બોંબને ઉડાડી દેવાના ઈમેલને ગંભીરતાથી લેવાયો
ઉતાવળમાં પરિસર ખાલી કરાવવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી હાઈકોર્ટ પછી, બોમ્બે હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના કારણે બંને હાઈકોર્ટમાં ખળભળાટ મચી ગયો છે. ધમકીભર્યા મેઈલ મળ્યા બાદ, પોલીસને હાઈકોર્ટ પરિસર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટને એક ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. આ મેઈલમાં લખ્યું હતું કે, વિસ્ફોટો માટે પાકિસ્તાન-તમિલનાડુની મિલીભગત, જજ રૂમમાં ત્રણ બોમ્બ રાખવામાં આવ્યા છે, બપોરે ૨ વાગ્યા સુધીમાં ખાલી કરો.

આ ધમકી બાદ, ઉતાવળમાં પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને ન્યાયાધીશો તેમજ વકીલોએ પણ પરિસર છોડી દીધુ હતું. સુરક્ષા પ્રોટોકોલનો અમલ કરીને પોલીસે તમામ ન્યાયાધીશોને ચેમ્બરમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યાં હાજર સ્ટાફ અને અન્ય લોકોને પણ ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, દિલ્હી પોલીસે ધમકીભર્યા મેઈલને હોક્સ મેલ ગણાવ્યો છે. નવી દિલ્હીના ડીસીપીએ કહ્યું કે આ એક હોક્સ કોલ છે.
પોલીસે આસપાસના વિસ્તારોને સીલ કર્યા
દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશનના સેક્રેટરી વિક્રમ સિંહ પવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું, સુરક્ષા વ્યવસ્થા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. ઈમેલને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. હાલમાં ગભરાવાની કોઈ જરૂર નથી.
આ ઘટના પછી તરત જ બોમ્બે હાઈકોર્ટને પણ ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. જે બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને મુંબઈ પોલીસના એકમોને પરિસરમાં તૈનાત કરવામાં આવ્યા હતા. પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને પોલીસે આસપાસના વિસ્તારોને પણ સીલ કરી દીધા છે.