Last Updated on by Sampurna Samachar
ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ ઈરાની-ડિઝાઇન કરેલા ડ્રોનમાં મળી આવ્યા
જુઓ યુક્રેને શુ લગાવ્યા આરોપો
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુક્રેન સાથે યુદ્ધ દરમિયાન રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી નારાજ છે. નારાજગીના ભાગરૂપે તેમણે ભારત પર ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી પણ લાદી છે. અમેરિકાના આ સમર્થનને ધ્યાનમાં લેતાં યુક્રેને પણ ભારત પર આંગળી ચીંધી છે. તેણે આરોપ મૂક્યો છે કે, રશિયન સેના દ્વારા યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ઈરાની-ડિઝાઇનના ડ્રોનમાં ભારતીય બનાવટના ઇલેક્ટ્રોનિક ઘટકોનો ઉપયોગ થઈ રહ્યો છે.
આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે યુક્રેને ઔપચારિક રીતે ભારત સરકાર અને યુરોપિયન યુનિયન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે ભારતીય કંપનીઓ દ્વારા ઉત્પાદિત અથવા એસેમ્બલ કરાયેલા ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ ઈરાની-ડિઝાઇન કરેલા ડ્રોનમાં મળી આવ્યા છે.
કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી
મીડિયા દ્વારા સમીક્ષા કરાયેલા દસ્તાવેજો અનુસાર, ગત વર્ષથી તોડી પાડવામાં આવેલા ૧૩૬ માનવરહિત લડાકૂ હવાઈ વાહનોમાં આ પાર્ટ્સ મળી આવ્યા હતાં. ત્યારબાદ યુક્રેનના પક્ષે ઓછામાં ઓછા બે વખત ભારતીય વિદેશ મંત્રાલય સાથે ઔપચારિક રાજદ્વારી પત્રવ્યવહાર દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો છે.
સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે યુક્રેનના રાજદ્વારીઓએ જુલાઈના મધ્યમાં નવી દિલ્હીની મુલાકાત દરમિયાન EU પ્રતિબંધોના રાજદૂત ડેવિડ ઓ‘સુલિવન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઓ‘સુલિવન ગયા મહિને ભારતીય અધિકારીઓને EU ના નવીનતમ પ્રતિબંધિત પગલાં વિશે માહિતી આપવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, તેમણે રશિયન એનર્જી કંપની રોઝનેફ્ટની સંયુક્ત માલિકીની વાડીનાર રિફાઇનરી પર પણ પ્રતિબંધો લાદ્યા હતા. અને રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનાવેલા રિફાઇન્ડ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ વિશે માહિતી આપી હતી.
દસ્તાવેજો અનુસાર, યુક્રેનના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે રશિયા દ્વારા ઉપયોગમાં લેવાયેલા શાહેદ ૧૩૬ ડ્રોનના ઉત્પાદનમાં વિશાય ઇન્ટરટેકનોલોજી અને ઓરા સેમિકન્ડક્ટરના ઇલેક્ટ્રોનિક પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનું એસેમ્બલ ભારતમાં થયુ છે. આ દસ્તાવેજોમાં ચોક્કસ પાર્ટ્સની વિગતવાર માહિતી અને ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે.
દસ્તાવેજો અનુસાર, ઈરાની-ડિઝાઇન કરેલા શાહેદ ૧૩૬ ડ્રોનના વોલ્ટેજ રેગ્યુલેટર યુનિટમાં ભારતીય કંપની વિશાય ઇન્ટરટેકનોલોજીના “બ્રિજ રેક્ટિફાયર ૩૦૦૩૫૯” નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે ડ્રોનની સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમના જામર-પ્રૂફ એન્ટેનામાં ઓરા સેમિકન્ડક્ટર દ્વારા ઉત્પાદિત PLL -આધારિત સિગ્નલ જનરેટર ૫૪૨૬છ ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે સંપૂર્ણપણે તકનીકી આધાર પર, બંને કંપનીઓએ કોઈપણ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી.આ અંગેના એક પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારત દ્વારા બેવડા ઉપયોગની વસ્તુઓની નિકાસ પરમાણુ અપ્રસાર પરની તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ સાથે સુસંગત છે, અને તે તેના મજબૂત સ્થાનિક કાનૂની અને નિયમનકારી માળખા પર આધારિત છે. આ નિકાસમાં અમારા કોઈપણ કાયદાનું ઉલ્લંઘન ન થાય તેની ખાતરી કરવા માટે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે છે.
નવી દિલ્હીમાં યુક્રેનના દૂતાવાસ તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, યુક્રેનના સંરક્ષણ ગુપ્તચર નિર્દેશાલયએ તેના સત્તાવાર ફેસબુક પેજ અને ટેલિગ્રામ ચેનલ પર શાહેદ ૧૩૬ ડ્રોનમાં ભારતીય મૂળના પાર્ટ્સ મળી આવ્યા હોવાની જાણકારી આપી હતી.