Last Updated on by Sampurna Samachar
BSE ખાતે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી
૨૮૧ શેર વર્ષના તળિયે પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
શેરબજારમાં સળંગ સાત દિવસની તેજી બાદ હવે પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. સેન્સેક્સમાં ઈન્ટ્રા ડે ૯૭૩.૬૫ પોઈન્ટની વોલેટિલિટીના અંતે ૭૨૮.૬૯ પોઈન્ટ તૂટી ૭૭૨૮૮.૫૦ પર બંધ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં વધુ રૂ. ૩.૪૨ લાખ કરોડનું ગાબડું નોંધાયુ હતું.

NSE નિફ્ટી ૨૩,૭૦૦ ના સ્તરે ખૂલ્યા બાદ ૩૦૦ પોઈન્ટ સુધી તૂટ્યો હતો. જે અંતે ૧૮૧.૮૦ પોઈન્ટના કડાકે ૨૩૪૮૬.૮૫ પર બંધ રહ્યો હતો. NSE ખાતે ૧૮૭ શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. નિફ્ટીએ ૨૩૫૦૦ની અંદર બંધ આપતાં રોકાણકારોમાં અનિશ્ચિતતાઓના વાદળો વધ્યા છે.
રેસિપ્રોકલ ટેરિફ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નહીં
BSE ખાતે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. કુલ ટ્રેડેડ ૪૧૪૩ શેર પૈકી ૯૧૯ શેર સુધારા તરફી અને ૩૧૧૫ શેર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એકંદરે વેચવાલીના માહોલ વચ્ચે ૨૮૧ શેર વર્ષના તળિયે પહોંચ્યો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સમાં કેપિટલ ગુડ્સ ૦.૦૫ ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. બેન્કેક્સ ૧.૦૮ ટકા, પીએસયુ ૧.૩૫ ટકા, એનર્જી ૧.૨૯ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૫૨ ટકા ઘટાડે બંધ રહ્યો હતો.
અમેરિકા દ્વારા બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થવા મુદ્દે હજી સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી. જેના લીધે રોકાણકારો પ્રોફિટ બુક કરતા જોવા મળ્યા છે. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે, બીજી એપ્રિલે લિબરેશન ડે હોવાથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની તારીખ પાછળ ઠેલવવામાં આવી શકે છે. તેમજ અમુક સુધારા વધારા લાગુ કરે તેવા સંકેતો પણ જોવા મળી શકે છે.
આઇટી ક્ષેત્રની મોટી કંપનીઓએ પોતાનો ફાયદો ગુમાવ્યો હતો. ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ સૌથી નબળા શેર હતા. NTPC અને BPCL જેવી સરકારી કંપનીઓના શેરમાં પણ વેચવાલી જોવા મળી. નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેંક સૌથી વધુ વધનાર શેર રહ્યો. આ શેર લગભગ ૩% ના વધારા સાથે બંધ થયો. બોર્ડ મીટિંગ પહેલા અશોક લેલેન્ડનો શેર ૨%ના વધારા સાથે બંધ થયો. સકારાત્મક વિકાસ છતાં, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને અમરાજ રાજા ૫% ઘટીને બંધ થયા.