Last Updated on by Sampurna Samachar
ભારત પાસે રોહિત, કોહલી, ગિલ, રાહુલ, હાર્દિક પંડ્યા, શમી સ્ટાર ખેલાડીઓ
શ્રેયસ અય્યર બ્લેક કેપ્સને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો ૨૫ વર્ષ પહેલા એટલે કે વર્ષ ૨૦૦૦ માં એકબીજાની સામે ફાઈનલમાં હતી અને ત્યારે ન્યૂઝીલેન્ડે ભારતને હરાવી ટ્રોફી પર કબજો કર્યો હતો. હવે ટીમ ફરી ચેમ્પિયન ન બને તે માટે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરવું પડશે.
આમ તો ટીમ ઈન્ડિયામાં રોહિત, કોહલી, ગિલ, રાહુલ, હાર્દિક પંડ્યા, શમી જેવા ઘણા સ્ટાર ખેલાડીઓ છે. આ બધા ખેલાડી ટીમ માટે મહત્વના છે, પરંતુ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયા માટે એક્સ ફેક્ટર શ્રેયસ અય્યર સાબિત થઈ શકે છે, જે બ્લેક કેપ્સને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે.
શ્રેયસ અય્યરનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ખૂબ શાનદાર રહ્યો છે અને તેણે વનડેમાં કીવી ટીમ વિરુદ્ધ અત્યાર સુધી ૮ ઈનિંગમાં ૭૦ની એવરેજની સાથે ૫૬૩ રન બનાવ્યા છે, જેમાં તેની સ્ટ્રાઇક રેટ ૧૦૦થી ઉપર છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેના રેકોર્ડની સૌથી ખાસ વાત તેની ૭૦ની એવરેજ છે. કોઈ અન્ય ટીમ વિરુદ્ધ તેની એવરેજ આટલી સારી નથી. કીવી ટીમ વિરુદ્ધ અય્યર સારૂ પ્રદર્શન કરે છે અને વર્ષ ૨૦૨૦માં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં ૧૦૩, ૫૨ અને ૬૨ રનની ઈનિંગ રમી હતી.
શ્રેયસ અય્યર પર રહેશે નજર
શ્રેયસ અય્યરે ૨૦૨૨માં ન્યૂઝીલેન્ડ સામે બે વનડે મેચ રમી હતી જેમાં તેણે ૮૦ અને ૪૯ રન બનાવ્યા હતા. આઈસીસી ઈવેન્ટમાં પણ અય્યરે કીવીઓ સામે સારૂ પ્રદર્શન કર્યું છે, તેણે વનડે વિશ્વકપ ૨૦૨૩માં ધર્મશાલામાં ૩૩ રન બનાવ્યા અને ત્યારબાદ મુંબઈમાં રમાયેલી સેમીફાઈનલમાં ૧૦૫ રન ફટકાર્યા હતા. ૨ માર્ચે ચેમ્પિયન્સ ટ્રોફીના મુકાબલામાં પણ અય્યરે ૭૯ રન બનાવી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અય્યરે ન્યૂઝીલેન્ડ સામે ૮ ઈનિંગમાં માત્ર બે વખત ૫૦થી ઓછો સ્કોર બનાવ્યો છે, જ્યારે ૬ વખત તેણે ૫૦ પ્લસનો સ્કોર બનાવ્યો છે. ICC ઈવેન્ટની વાત કરીએ તો અય્યરે ૭૨ની એવરેજ અને ૧૧૦ની સ્ટ્રાઇક રેટ સાથે કુલ ૨૧૭ રન ફટકાર્યા છે. એટલે કે રમાનારી ફાઈનલમાં અય્યર ભારતનું ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.