ઇથિયોપિયામાં ગંભીર માર્ગ અકસ્માતો સામાન્ય બન્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આફ્રિકન દેશ ઇથિયોપિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં મુસાફરોથી ભરેલી ટ્રક નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ૬૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દક્ષિણ સિદામા ક્ષેત્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભયાનક અકસ્માત બોના જિલ્લામાં થયો હતો. પ્રાદેશિક સંચાર બ્યુરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બોના જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.
સરકારી માલિકીની ઇથિયોપિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અનુસાર, તમામ લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઇથિયોપિયામાં ગંભીર માર્ગ અકસ્માતો સામાન્ય છે. નબળા ડ્રાઇવિંગ ધોરણો અને જર્જરિત વાહનો અહીં સલામત પરિવહનમાં સૌથી મોટી અડચણ છે. લગભગ છ વર્ષ પહેલા ૨૦૧૮માં ઇથિયોપિયામાં એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાઈમાં પડી હતી, જેમાં ૩૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
અહેવાલ અનુસાર, તમામ લોકો ઇસુઝુ ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ અચાનક ટ્રક રસ્તો ભટકાવી નદીમાં પડી ગઈ હતી. બીજી તરફ નદીમાં હજુ પણ લોકોની શોધખોળ ચાલુ છે. સ્થાનિક લોકો અને સરકારી વિભાગ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.