અનેક ગુજરાતીઓના મોલ અને વેર હાઉસ સળગાવી દેવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આફ્રિકાના મોઝામ્બિકાની સુપ્રીમ કોર્ટના એક ર્નિણયના કારણે દેશમાં ઉથલપાથલ મચી ગઈ છે. દેશમાં અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ ૧૫૦થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હિંસા દરમિયાન અનેક ગુજરાતીઓના મોલ અને વેરહાઉસમાં લૂંટફાટ કરવામાં આવી છે. ભીડે કેટલાક મોલમાં આંગ ચંપી કરી સળગાવી દીધા છે.
વાસ્તવમાં ૯ ઓક્ટોબર-૨૦૨૪માં દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઘણો વિવાદ થતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચયો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં સત્તાધારી ફ્રીલીમો પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેનિયલ ચૈપોને વિવાદાસ્પદ ચૂંટણીના વિજેતા જાહેર કર્યા છે, જેના કારણે ત્યાં હિંસા ભડકી ગઈ છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, તાજેતરની હિંસામાં બે પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા છે.
મોઝામ્બિકાના ગૃહમંત્રી પાસ્કોલ રોંડાએ મોડી રાત્રે માપુતો શહેરમાં એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હિંસા અને લૂંટફાટ શરૂ થઈ ગઈ છે. આ હિંસા ચૈપોના પ્રતિસ્પર્ધી અને ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર વેનાંસિયો મોંડલેનના યુવા સમર્થકોએ ભડકાવી છે. આ ચૂંટણીમાં ચૈપોને ૬૫ ટકા મત મળ્યા હતા, જ્યારે મોંડલેનને ૨૪ ટકા મત મળ્યા હતા.
રોંડાએ કહ્યું કે, પ્રાથમિક સર્વેમાં એવી માહિતી સામે આવી છે કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં હિંસાની ૨૩૬ ઘટનાઓ નોંધાઈ છે. ગૃહમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં ૭૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ તાજેતરની હિંસાની ઘટનામાં ૩૩ લોકોના મોત થયા છે અને ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત હિંસા દરમિયાન મોઝામ્બિકાના માપુટોમાં આવેલી જેલમાં ૧૫૩૪ કેદીઓ ફરાર થઈ ગયા છે. જેલમાં કુલ ૨,૫૦૦થી વધુઓ કેદીઓ અથવા આરોપીઓ હતા.
ગૃહમંત્રીએ કહ્યું કે, પોલીસના બે વાહનો સહિત ૨૫ વાહનોને આંગ ચાંપવામાં આવી છે. જ્યારે ભીડે ૧૧ પોલીસ ચોકીઓ અને એક જેલ પર હુમલો કરી તોડફોડ કરી છે, જેમાં ૧૫૩૪ કેદીઓ ફરાર થઈ ગયા છે. મોંડલેનાના સમર્થકોએ શુક્રવારે બંધની જાહેરાત કરી છે. દેશમાં અગાઉ પણ હિંસા થઈ હતી અને મંગળવારે રાત્રે રાજધાનીમાં પણ તણાવપૂર્ણ સ્થિતિ હતી. દેશની ચૂંટણી સંસ્થાએ પ્રારંભિક પરિણામો જાહેર કર્યા બાદ મતદાન પછીની હિંસાની વિવિધ ઘટનાઓમાં કુલ ૧૫૦ લોકોના મોત થયા છે.