હજુ સુધી આ મામલે કોઈ સંગઠનની સંડોવણીની કોઈ માહિતી નહિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના પરિસરમાં થયેલા બ્લાસ્ટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના ત્રણ બોડીગાર્ડસ સહિત ૧૨ લોકોના મોત થઈ ગયા છે. એક અહેવાલ પ્રમાણે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે હક્કાની ખોસ્તથી આવેલા લોકોના ગ્રૂપની યજમાની કરી રહ્યા હતા.
તાલિબાન સરકારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલમાં આ બ્લાસ્ટ કઈ રીતે થયો અને તેને કોણે અંજામ આપ્યો તે અંગે વધુ માહિતી સામે નથી આવી. અત્યાર સુધી મળેલા ઈનપુટ્સના આધારે આને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બ્લાસ્ટમાં આત્મઘાતી હુમલાખોરનું પણ મોત થઈ ગયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
ખલીલ રહેમાન હક્કાની તાલિબાનના આંતરિક મંત્રી સિરાજુદ્દીન હક્કાનીના કાકા હતા, તેમને ઓગસ્ટ ૨૦૨૧માં જૂથની સત્તા પર વાપસી બાદ શરણાર્થીઓના કાર્યવાહક મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રાથમિક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસ્લામિક સ્ટેટ અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ હુમલો ટાર્ગેટેડ હુમલો હોઈ શકે છે, જો કે હજુ સુધી આ મામલે કોઈ સંગઠનની સંડોવણી સામે નથી આવી.