“આ એક પીરિયડ ડ્રામા છે, જેમાં પુનર્જન્મની વાત છે”
(સંપૂર્ણ સમાચાર સેવા)
એટલીએ ‘જવાન’માં શાહરુખ ખાન સાથે કામ કર્યા પછી હવે તે સલમાન ખાન સાથે મોટા બજેટની ફિલ્મ બનાવવા તૈયારી કરી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ બંનેની ફિલ્મ અને તેમના વચ્ચે ચાલતી વાટાઘાટો અંગે ચર્ચાઓ ચાલતી હતી. આ એટલીની ૬ઠ્ઠી ફિલ્મ હશે.
હાલ આ ફિલ્મ પ્રી પ્રોડક્શનના સ્ટેજ પર છે અને ૨૦૨૬ ના ઉનાળા સુધીમાં તેનું શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અટલીએ કન્ફર્મ કર્યું છે કે એ સલમાન ખાન સાથે એવી ધમાકેદાર ફિલ્મ બનાવશે કે આખી દુનિયાને તેના પર ગર્વ થશે. આ બિગ બજેટ ફિલ્મ શરૂ થતાં પહેલાં જ પડતી મૂકાઈ હોવાની ચર્ચા છે.
કેટલાંક સૂત્રોના જણાવ્યા અનુસાર, એટલી સલમાન સાથે પોતાની છટ્ઠી ફિલ્મ ૫૦૦ કરોડના મહાકાય બજેટ સાથે બનાવશે, જેમાં તે એક અલગ દુનિયા બનાવવા જઈ રહ્યો છે. “આ એક પીરિયડ ડ્રામા છે, જેમાં પુનર્જન્મની વાત છે, જેમાં અટલી એક ક્યારેય ન જોઈ હોય એવી દુનિયા રચવા જઈ રહ્યો છે. સાથે સલમાન પણ કશુંક નવું કરવા માટે અને અટલી સાથે કામ કરવા ઉત્સાહિત છે.
આ ફિલ્મમાં અટલીને એક ચોક્કસ પ્રકારનો હિરો જોઈએ છે, તેથી સલમાન ખાન તેના માટે વજન ઘટાડવાની પણ તૈયારી કરી રહ્યો છે.” સલમાન સાથેની આ ફિલ્મ માટે રજનીકાંત સાથે પણ ચર્ચા વિચારણા કરી રહ્યો છે. જો તે આ પ્રકારનું મોટું કાસ્ટિંગ કરવામાં સફળ રહ્યો તો આ ફિલ્મ ચોક્કસ ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બની રહેશે, જેમાં બે લોકપ્રિય સુપરહિરો સલમાન ખાન અને રજનીકાંત પહેલી વખત એકસાથે જોવા મળશે.
આ ફિલ્મમાં રજનીકાંતના રોલમાં કમલ હસનને લેવાની પણ ચર્ચા હતી. એટલી છેલ્લા એક વર્ષથી આ ફિલ્મ માટે મહેનત કરી રહ્યો છે. જેમાં ભૂતકાળ અને આજ એમ બે સમયગાળાની વાત હશે. તેના માટે એક કાલ્પનિક દુનિયા બનાવવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. સલમાન આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મના બધાં જ પાત્રોના ભૂતકાળ અને આજ એકબીજા સાથે જોડાયેલા હશે. સલમાન ખાન ‘સિકંદર’નું કામ પૂરું કરીને આ ફિલ્મ હાથ પર લેવા માંગે છે. ફિલ્મ પડતી મૂકવા બાબતે સલમાન કે એટલી તરફથી કોઈ ખુલાસો થયો નથી.