Last Updated on by Sampurna Samachar
ઈન્ડિગોની ફ્લાઇટના ઉડાન ભર્યા બાદ માહિતી મળતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગત મહિને નવેમ્બરમાં નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં કથિત રીતે બોમ્બ હોવાની અફવા ફેલાવવાના આરોપમાં છત્તીસગઢની રાજધાની રાયપુરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જેમની ઓળખ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB )ના એક અધિકારી તરીકે થઈ છે. પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી છે.
રાયપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંતોષ સિંહે કહ્યું કે, ૧૪ નવેમ્બરે ૪૪ વર્ષીય અનિમેષ મંડલ નામના વ્યક્તિએ ઈન્ડિગોની ફ્લાઇટના ઉડાન ભર્યા બાદ ક્રૂને કથિત રીતે કહ્યું હતું કે ‘વિમાનમાં બોમ્બ છે’. જે બાદ તે વિમાનનું રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વિમાનમાં ૧૮૭ મુસાફરો સવાર હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિમાનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ તપાસ કરવામાં આવતા વિમાનમાંથી કંઈ મળી આવ્યું ન હતું. જે બાદ અનિમેષ મંડલ નામના વ્યક્તિની ખોટી માહિતી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અનિમેષ મંડલ વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૩૫૧ (૪) અને ‘નાગરિક ઉડ્ડયન સુરક્ષા વિરુદ્ધ ગેરકાયદેસર કૃત્યોનું દમન’ અધિનિયમ, ૧૯૮૨ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
અનિમેષ મંડલના વકીલ ફૈઝલ રિઝવીએ જણાવ્યું કે, તેમના અસીલ ‘IB ’માં DSP રેન્કના અધિકારી છે, જેઓ નાગપુરમાં પોસ્ટેડ છે અને તેઓ નિર્દોષ છે. વકીલ રિઝવીનું કહેવું છે કે, તેઓને તેમના સૂત્રો દ્વારા બોમ્બ વિશે માહિતી મળી હતી. જોકે, પોલીસ અધિકારીએ કહ્યું કે, પોલીસે તેમને કસ્ટડીમાં લીધા બાદ તરત જ IB ને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ અને IB ની સંયુક્ત ટીમે તેમની પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી ફેક સાબિત થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
IB અધિકારીના વકીલ રિઝવીએ દાવો કર્યો કે, નાગરિક ઉડ્ડયન સુરક્ષા અધિનિયમ હેઠળ આરોપી વ્યક્તિ પર માત્ર વિશેષ અદાલતમાં જ કેસ ચલાવી શકાય છે અને છત્તીસગઢમાં આવી કોઈ નિયુક્ત અદાલત નથી. વકીલે કહ્યું કે તેઓ હાઈકોર્ટમાં જશે અને જામીનની માંગ કરશે.