Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનને સમર્થન કરનારા આ બે દેશોને ભારે પડ્યુ
ભારતમાં રોષ અને બહિષ્કારની લાગણી વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત-પાકિસ્તાન તણાવના પરિણામે મે ૨૦૨૫ માં થયેલા ઓપરેશન સિંદૂર બાદ તૂર્કિયે અને અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. આ ઘટાડો એટલા માટે થયો કે આ બંને દેશોએ આ સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યો, જેના કારણે ભારતમાં રોષ અને બહિષ્કારની લાગણી વધી, જેની સીધી અસર પ્રવાસન ક્ષેત્રે જોવા મળી.
ખાસ કરીને, મે થી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન, અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓના આગમનમાં ૫૬% અને તૂર્કિયેમાં ૩૩.૩%નો ઘટાડો નોંધાયો હતો. અગાઉ એટલે કે ૨૦૨૪માં, અઝરબૈજાનમાં ૨.૪૪ લાખ ભારતીય પ્રવાસીઓ જોવા મળ્યા હતા, જ્યારે તૂર્કિયેમાં ૩.૩૧ લાખ. જાેકે, ઓપરેશન સિંદૂર પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ.
આગામી મહિનાઓમાં આ ઘટાડો વધુ ઘેરો બનવાની શક્યતા
ઓપરેશન સિંદૂર પછી તરત જ, ભારતીય ટ્રાવેલ કંપનીઓ અને ટ્રાવેલ પોર્ટલોએ પ્રવાસીઓને તૂર્કિયે અને અઝરબૈજાનની મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. ૧૪ મેના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં, ટ્રાવેલ પોર્ટલે જણાવ્યું હતું કે, ભારતીય પ્રવાસીઓ તૂર્કિયે અને અઝરબૈજાનમાં પ્રવાસ ન કરવા તટસ્થ રહ્યા છે. પરિણામે છેલ્લા અઠવાડિયામાં અઝરબૈજાન અને તૂર્કિયે માટેના બુકિંગમાં ૬૦%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે કેન્સલેશનમાં ૨૫૦%નો વધારો થયો છે. સશસ્ત્ર દળો સાથે એકતા દર્શાવવા માટે ટ્રાવેલ કંપનીએ બંને સ્થળો માટેના પ્રમોશન અને ઑફર્સને પણ અટકાવી દીધા છે.
મે-ઓગસ્ટ ૨૦૨૪માં અઝરબૈજાનમાં આશરે ૧ લાખ ભારતીય પ્રવાસીઓ આવ્યા હતા. મે-ઓગસ્ટ ૨૦૨૫માં આ સંખ્યા ઘટીને ૪૪,૦૦૦ અને ઓગસ્ટ ૨૦૨૪માં ૨૧,૧૩૭ અને ઓગસ્ટ ૨૦૨૫માં માત્ર ૬૦૩૨ થઈ ગઈ હતી. ૨૦૨૫ના પ્રથમ આઠ મહિનામાં અઝરબૈજાનની મુલાકાત લેનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા ૨૨% ઘટી છે.
તૂર્કિયેની વાત કરીએ તો મે-ઓગસ્ટ ૨૦૨૪માં તૂર્કિયેમાં આશરે ૧.૩૬ લાખ ભારતીય પ્રવાસીઓ આવ્યા હતા. મે-ઓગસ્ટ ૨૦૨૫ માં આ સંખ્યા ઘટીને ૯૦,૪૦૦ થઈ ગઈ. જાન્યુઆરી-ઓગસ્ટ ૨૦૨૫ માં કુલ ૧.૭૪ લાખ ભારતીય પ્રવાસીઓ આવ્યા, જે ૨૦૨૪ ની તુલનામાં ૨૧% નો ઘટાડો દર્શાવે છે. પાકિસ્તાનને અઝરબૈજાન અને તૂર્કિયેના સમર્થનની સીધી અસર માત્ર રાજદ્વારી રીતે જ નહીં પરંતુ તેમના પ્રવાસન ઉદ્યોગો પર પણ પડી છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો આગામી મહિનાઓમાં આ ઘટાડો વધુ ઘેરો બનવાની શક્યતા છે.