Last Updated on by Sampurna Samachar
ભારતની AI ક્ષમતામાં પરિવર્તન લાવશે
વિશાખાપટ્ટનમમાં દેશનું સૌથી મોટું ડેટા સેન્ટર કેમ્પસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અદાણી એન્ટરપ્રાઈઝ અને એજ કોનેક્સની જોઈન્ટ વેન્ચર કંપની AdaniConneX અને ગૂગલે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને નવા ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે મહત્ત્વની ભાગીદારીની જાહેરાત કરી છે.
વિશાખાપટ્ટનમમાં ગૂગલના એઆઈ હબ ગીગાવોટ-સ્કેલ ડેટા સેન્ટરની કામગીરી માટે પાંચ વર્ષ (૨૦૨૬-૨૦૩૦)માં આશરે ૧૫ અબજ ડોલરનું રોકાણ કરશે, જે ભારતમાં સૌથી વધુ માંગ ધરાવતા AI વર્કલોડને ઓપરેટ કરવા મજબૂત સબ-સી કેબલ નેટવર્ક અને ક્લિન એનર્જી દ્વારા સપોર્ટેડ હશે. આ ડીલ અદાણી કોનેક્સ અને એરટેલ સહિતના ઇકોસિસ્ટમ ભાગીદારોની ભાગીદારી વધુ મજબૂત બનાવશે.
સમગ્ર દેશમાં ડિજિટલ સમાવેશને વેગ આપશે
અદાણીકોનેક્સ સાથે જોડાણમાં વિકસાવવામાં આવેલા ગૂગલ એઆઈ હબના પાયાના સ્તંભોમાં વિશાખાપટ્ટનમમાં હેતુ-નિર્મિત એઆઈ ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે, જે ભારતની એઆઈ ક્ષમતામાં પરિવર્તન લાવશે. આ પ્રોજેક્ટ બંને કંપનીઓની ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા પર સ્થાપિત છે.
જે આંધ્રપ્રદેશમાં નવી ટ્રાન્સમિશન લાઇન, ક્લિન એનર્જી પ્રોડક્ટ્સ અને ઈનોવેટિવ એનર્જી સ્ટોરેજ સિસ્ટમ વિકસાવવા સંયુક્ત રોકાણ કરશે. આ રોકાણ ડેટા સેન્ટરની કામગીરીને ટેકો આપવા ઉપરાંત ભારતના વીજ ગ્રીડની ક્ષમતામાં પણ વધારો થશે.
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી જૂથ આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે ગૂગલ સાથે પાર્ટનરશીપ કરવા બદલ ઉત્સુક છે. જે ભારતના ડિજિટલ લેન્ડસ્કેપના ભવિષ્યને નવી વ્યાખ્યા આપશે. તે ફક્ત માળખાગત સુવિધામાં રોકાણ જ નહીં, પણ ઉભરી રહેલા રાષ્ટ્રમાં રોકાણ છે.
આ ભાગીદારી રાષ્ટ્ર નિર્માણના અમારા સહિયારા દ્રષ્ટિકોણ અને ૨૧મી સદીના સાધનોથી દરેક ભારતીયને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. વિશાખાપટ્ટનમ હવે ટેકનોલોજી માટે ગ્લોબલ હબ બનવા માટે તૈયાર છે. આ અંગે ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયને જણાવ્યું હતું કે, એઆઈના યુગમાં ભારતની વ્યાપક ક્ષમતાઓને અનલોક કરતાં અમે ગૂગલ એઆઈ હબમાં રોકાણ કરી રહ્યા છીએ.
જે બિઝનેસ, રિસર્ચર્સ, અને ક્રિએટર્સને એઆઈ સાથે સંચાલન અને ગ્રોથ હાંસલ કરવા મંચ પૂરું પાડશે. અદાણી સાથે મળી અમે અત્યાધુનિક સંસાધનોની મદદથી સમુદાયો અને ગ્રાહકોને નજીક લાવીશું. તેમને વૈશ્વિક સ્તરે ઈનોવેશન કરવા માટે પર્ફોર્મન્સ, સિક્યોરિટી અને સ્કેલેબિલિટી પ્રદાન કરીશું. આ એઆઈ હબ અને કનેક્ટિવિટી ગેટવેનો વિકાસ આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ અને ત્યારબાદ સમગ્ર દેશમાં ડિજિટલ સમાવેશને વેગ આપશે. ટેકનોલોજી, બાંધકામ અને ક્લિન એનર્જીમાં હજારો નોકરીઓનું સર્જન કરીને આર્થિક વિકાસ માટે એક શક્તિશાળી એન્જિન સાબિત થશે.