Last Updated on by Sampurna Samachar
નાગપુરના ઝરીપટકા પોલીસ સ્ટેશનમાં બની ઘટના
૨૧ વર્ષના એક્ટર પ્રિયાંશુની મિત્રએ જ ગળું કાપી કરી હત્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અભિનેતા પ્રિયાંશુ ઉર્ફે બાબુ રવિ સિંહ છેત્રીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. તેણે વર્ષ ૨૦૨૨માં અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ ‘ઝુંડ‘ માં અભિનય કરીને લોકપ્રિયતા મેળવી હતી. મળતી જાણકારી મુજબ પ્રિયાંશુને તારથી બાંધીને ખૂબ જ ક્રૂરતાથી મારવામાં આવ્યો, તેનું ગળું કાપીને પથ્થરથી ચહેરો કચડી નાખવામાં આવ્યો હતો. તેમજ હત્યાનું કારણ આપસી દુશ્મની હોવાનું સામે આવ્યું છે.
અહેવાલ મુજબ, નાગપુરમાં ૮ ઓક્ટોબરના વહેલી સવારે ૨૧ વર્ષીય પ્રિયાંશુ અને તેના મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ મિત્રએ પ્રિયાંશુની હત્યા કરી દીધી. પોલીસે આરોપી મિત્ર ધ્રુવ લાલ બહાદુર સાહૂ (૨૦)ની ધરપકડ કરી છે. આ ઘટના નાગપુરના ઝરીપટકા પોલીસ સ્ટેશન વિસ્તારના નારામાં બની હતી.
ધ્રુવે પ્રિયાંશુનું ગળું કાપી નાખ્યું
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, પ્રિયાંશુ અને આરોપી ધ્રુવ સાહૂ મિત્રો હતા અને સાથે દારૂ પીતા હતા. મંગળવારે અડધી રાત પછી, ધ્રુવની મોટરસાયકલ પર તેઓ ઝરીપટકા વિસ્તારના એક ખાલી ઘરમાં દારૂ પીવા ગયા. ત્યાં બંને વચ્ચે ઝઘડો થયો.
શરૂઆતમાં ધ્રુવે પ્રિયાંશુને ધમકાવ્યો અને સૂઈ ગયો. પરંતુ, અચાનક જ તેણે પ્રિયાંશુને તારથી બાંધ્યો, પછી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. ધ્રુવે પ્રિયાંશુનું ગળું કાપી નાખ્યું અને પથ્થરથી ચહેરો કચડી નાખ્યો.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પ્રિયાંશુ છેત્રીના મૃતદેહને કબજે કરી લીધો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી. પોલીસે જણાવ્યું કે, ખતરાના ડરથી ધ્રુવ સાહૂએ કથિત રીતે પ્રિયાંશુ છેત્રીને તારથી બાંધી દીધો અને તેના પર ધારદાર હથિયારથી હુમલો કર્યો.
સ્થાનિક લોકોએ પ્રિયાંશુને ઈજાગ્રસ્ત હાલતમાં જાેયો અને પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પ્રિયાંશુ છેત્રી અર્ધનગ્ન અવસ્થામાં હતો અને પ્લાસ્ટિકના તારથી બંધાયેલો હતો. ત્યારબાદ તેને મેયો હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કર્યો.