Last Updated on by Sampurna Samachar
૧૦ હજાર લોકો રેલીમાં પહોંચ્યા હોવાનો અંદાજ
રાજકીય વર્તુળોમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કરૂર નાસભાગ બાદ તમિલગા વિત્રા કઝગમ ચીફ અને અભિનેતા વિજયે મોટી જાહેરાત કરી છે. અભિનેતાએ કહ્યુ કે રેલીમાં જે લોકોના મોત થયા છે તેમના પરિવારજનોને ૨૦-૨૦ લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. મહત્વનું છે કે તમિલનાડુના કરૂરમાં થયેલી નાસભાગમાં ૩૯ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

વિજયે કરુરમાં નાસભાગની દુ:ખદ ઘટના પર પોતાનું પહેલું નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું કે મારું દિલ તૂટી ગયું, મને અસહનીય પીડા થઇ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પોસ્ટ કરતા વિજયે લખ્યું કે, “મારું દિલ તૂટી ગયું છે. હું અસહ્ય, અવર્ણનીય પીડા અને આઘાત અનુભવી રહ્યો છું જે શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું. હું કરુરમાં જીવ ગુમાવનારા મારા પ્રિય ભાઈઓ અને બહેનોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું.”
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માંગ્યો રિપોર્ટ
અભિનેતાથી રાજનેતા બનેલા વિજયે એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. તેમાં ૧૦ હજાર લોકો પહોંચવાનો અંદાજ હતો, પરંતુ પહોંચનારની સંખ્યા ૨૭ હજારને પાર પહોંચી ગઈ હતી. લોકો સવારથી વિજયની રાહ જોતાં હતા. તેવામાં તે ગરમી અને ભૂખ-તરસથી પરેશાન હતા.
અભિનેતા વિજય સાંજે ૭ કલાક બાદ પહોંચ્યા. તેમના ભાષણ દરમિયાન લોકો બેભાન થઈને પડવા લાગ્યા અને નાસભાગ મચી ગઈ. તેમાં આશરે ૩૯ લોકોના મોત થયા અને ૧૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે કરૂરમાં થયેલી નાસભાગ બાદની સ્થિતિની જાણકારી લીધી અને મદદ માટે આશ્વાસન આપ્યું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટના પર તમિલનાડુ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ (અન્નાદ્રમુક) મહાસચિવ કે. પલાનીસ્વામીએ દાવો કર્યો કે શનિવારે અહીં ટીવીકેની રાજકીય રેલીમાં થયેલી ભાગદોડ પોલીસ અને તંત્ર તરફથી સુરક્ષામાં થયેલી ચૂકનો પૂરાવો છે.
પલાનીસ્વામીએ કહ્યુ કે જો પોલીસ અને રાજ્ય સરકારે સાવચેતીના પગલા ભર્યા હોત તો આ ત્રાસદી ટાળી શકાય હોત. દુર્ઘટનામાં ૩૯ નિર્દોષ લોકોના મોત થયા અને ૫૧ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા.