Last Updated on by Sampurna Samachar
ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન અરજી દાખલ કરી હતી
વર્ષો જૂના ચેક બાઉન્સ કેસનો મામલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને મળેલા વચગાળાના જામીન બાદ તે તિહાડ જેલમાંથી બહાર આવ્યા છે. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે કહ્યું કે, ‘તમારે કોઈ પણ લીગલ જાણકારી જોઈતી હોય તો અમારા વકીલને પૂછી શકો છો.

બૉલીવુડમાં કામ કર્યાને મારે ૩૦ વર્ષ પૂર્ણ થશે. સમગ્ર દેશ દુનિયાના લોકો મારી સાથે છે તેથી જ હું ૨૦૦-૨૫૦ ફિલ્મમાં કામ કરી શક્યો, ભારતીય સિનેમા પણ મારી સાથે છે. હાઈકોર્ટે જ્યાં જ્યાં આદેશ આપ્યા ત્યાં હું હાજર રહ્યો, મારી સાથે સૌનું સમર્થન છે, મારી પર કોઈ આરોપ છે તો હું સંપૂર્ણ રીતે ગમે ત્યારે ઉપલબ્ધ છું‘
બોલિવુડ સેલિબ્રિટી અને દિગ્ગજો રાજપાલની મદદે આવ્યા
ઉલ્લેખનીય છે કે તિહાર જેલમાં અધિકારીઓ સમક્ષ સરન્ડર કરી દીધું હતું, કોર્ટના આદેશ બાદ ૨.૫ કરોડ રૂપિયા જમા કરી દેવાતા રાજપાલ યાદવને દિલ્હી હાઇકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. જણાવી દઈએ કે, રાજપાલ યાદવે ૧૯ ફેબ્રુઆરીએ તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે જામીન અરજી દાખલ કરી હતી.
૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ રાજપાલની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી. રાજપાલે તેને બનાવવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ૫ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. જાે કે, ફિલ્મ નિષ્ફળ ગઈ અને રાજપાલને નોંધપાત્ર નુકસાન થયું. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે પૈસા પાછા માંગ્યા, જે રાજપાલ ચૂકવી શક્યા નહીં. મામલો કોર્ટ સુધી પહોંચ્યો.
૨૦૧૮ માં, મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે કાનૂની કાર્યવાહી કરી. રાજપાલ અને તેની પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. વ્યાજ સાથે ૫ કરોડ રૂપિયાની આ રકમ વધીને ૯ કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં અભિનેતાને બે વાર જેલ થઈ ચૂકી છે. ઘણી વખત મુદત લંબાવ્યા પછી, જ્યારે તે પૈસા ચૂકવી શક્યો નહીં, ત્યારે તેને આત્મસમર્પણ કરવાની ફરજ પડી.
મુશ્કેલીના આ સમયમાં બોલિવુડ સેલિબ્રિટી અને દિગ્ગજો રાજપાલની મદદે આવ્યા છે. સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, ડેવિડ ધવન, સોનુ સૂદ, તેજ પ્રતાપ યાદવ, રાવ ઇન્દરજીત સિંહ, ગુરુ રંધાવા, ગુરમીત ચૌધરી, કેઆરકે અને મીકા સિંહે મદદનો હાથ લંબાવ્યો છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ એ લોકોને રાજપાલને મદદ કરવા માટે આગળ આવવા અપીલ કરી છે. રાજપાલની પત્નીએ સેલિબ્રિટીઓ દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.