Last Updated on by Sampurna Samachar
આ ઇન્ડસ્ટ્રીમાં લોકો હવે એટલા સેક્યુલર નથી
છાવા આ શ્રેણીની એક શાનદાર ફિલ્મ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જોન અબ્રાહમ (JOHN ABRAHAM) ની ફિલ્મ ધ ડિપ્લોમેટ ૭ માર્ચે રિલીઝ થઈ રહી છે. આ પહેલા તેણે આજની ફિલ્મો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જોનને લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં લોકો હવે એટલા સેક્યુલર નથી. લોકો ખૂબ જ સાવધાની સાથે આગળ વધે છે. તેણે કાશ્મીર ફાઇલ પર વાત કરી અને વિક્કી કૌશલની ફિલ્મ છાવાના પણ વખાણ કર્યા.
કાશ્મીર ફાઇલ વિશે વાત કરતાં જોને કહ્યું કે, સેક્યુલર બનવું અને તે ભાવના જાળવી રાખવી મહત્ત્વપૂર્ણ છે. આજકાલ આપણે દરેક બાબતમાં ખૂબ કાળજી રાખીએ છીએ. શું આપણે પ્રોપાગેંડા ફિલ્મો બનાવી રહ્યા છીએ? મને ખબર નથી, પરંતુ જે પણ ફિલ્મો બની રહી છે, તે ચોક્કસપણે અસરકારક છે. જો કોઈ ધ કશ્મીર ફાઇલ્સ અથવા આવી અન્ય ફિલ્મોને પ્રોપાગેંડા કહે છે, તો દર્શક તરીકે હું એટલું જ કહીશ કે આ ફિલ્મો અસર છોડે છે.
હું માત્ર સિનેમાને માણવા માંગુ છું
જોને વધુમાં કહ્યું હતું કે, કોઈ ફિલ્મ પ્રોપાગેંડા છે કે નહીં તેની ચર્ચા નહિ કરીએ. સૌથી મહત્ત્વની બાબત એ છે કે સ્ટોરી દર્શકો પર શું અસર કરે છે. જો કોઈ ફિલ્મ મને યોગ્ય રીતે પ્રભાવિત કરતી હોય તો તે સફળ છે. એક દર્શક તરીકે હું માત્ર સિનેમાને માણવા માંગુ છું. જ્યારે કોઈ ફિલ્મ દર્શકોના દિલ અને દિમાગને સ્પર્શે છે ત્યારે તેનો સંપૂર્ણ શ્રેય ડિરેક્ટરને જવો જોઈએ. આ સિનેમાની સૌથી મોટી વિશેષતા છે.
જોન અબ્રાહમે વિક્કી કૌશલ અને અક્ષય ખન્નાની ફિલ્મ છાવાની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, મેં વિકીને મેસેજ કર્યો હતો. હું ખુશ છું કે વિક્કીની ફિલ્મ સારી ચાલી રહી છે. આ ફિલ્મ દર્શકોને થિયેટરોમાં લાવી રહી છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હું માનું છું કે સારી ફિલ્મોને દર્શકોનો પ્રેમ મળવો જોઈએ અને છાવા આ શ્રેણીની એક શાનદાર ફિલ્મ છે.