Last Updated on by Sampurna Samachar
ધનુષે નુકસાન પેટે એક કરોડ રૂપિયાની માંગણી કરી
૨૦૧૫માં તમિલ ફિલ્મ નાનુમ રાઉડી ધાનનો મામલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ધનુષનાં પ્રોડકશન હાઉસ વંડરબાર ફિલ્મ્સ દ્વારા અભિનેત્રી નયનતારા અને તેના પતિ વિગેન્શ શિવનની નેટફ્લિકસ ડોક્યૂમેન્ટ્રી ધ ફેયરીટેલના વિરુદ્ધ સિવિલ કેસને આગળ વધારવાનો ર્નિણય લીધો છે. અભિનેતાએ પોતાને થયેલા નુકસાન પેટે એક કરોડ રૂપિયાની માંગણી કરી છે અને કોર્ટે આ મુદ્દે નવમી એપ્રિલે વધુ સુનાવણી યોજવાનું નક્કી કર્યું છે.
વંડરબાર ફિલ્મસે જણાવ્યા અનુસાર વિગ્નેશ શિવને અનાવશ્યક રીતે ફક્ત નયનતારા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ફિલ્મના અન્ય કલાકારો અને ક્રૂને નજરઅંદાજ કરીને નયનતારા સાથે જોડાયેલા દ્રશ્યોને શ્રેષ્ઠ દાખવવા માટે વારંવાર રીટેક કરવામાં આવ્યા હતા. કોપીરાઇટના ઉલ્લનંઘન પર આધારિત આ મામલામાં આરોપ મુકવામાં આવ્યો છે કે, નેટફ્લિક્સ ડોક્યૂમેન્ટ્રીમાં નાનુમ રાઉડી ધાનના શૂટિંગનાં દ્રશ્યો પરવાનગી વગર ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
વંડરબાર ફિલ્મ્સ દ્વારા કરાયુ નિર્માણ
ઉલ્લેખનીય છે કે, નયનતારાએ ૨૦૧૫માં તમિલ ફિલ્મ (FILM) નાનુમ રાઉડી ધાનમાં વિજય સેતુપતિ સાથે કામ કર્યું હતું. જેનું દિગ્દર્શન વિગ્નેશ શિવનનું હતું અને ફિલ્મનું નિર્માણ ધનુષના બેનર વંડરબાર ફિલ્મ્સ દ્વારા કરાયું હતું.
ધનુષે આ ફિલ્મનાં ફૂટેજનો ડોક્યુમેન્ટરી માટે ઉપયોગ કરવા મંજૂરીનો ઈનકાર કરતાં નયનતારાએ ધનુષને આકરા શબ્દોમાં પત્ર લખ્યો હતો. આ ડોક્યુમેન્ટ્રી રીલિઝ થયા પછી ધનુષે પ્રોડકશન હાઉસ તરફથી નયનતારા, વિગ્નેશ શિવાન અને તેના પ્રોડકશન હાઉસ રાઉડી પિકચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.