Last Updated on by Sampurna Samachar
મધુરમ સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો
ડમ્પર ચાલકને પોલીસે ઝડપી લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના ડિંડોલી વિસ્તારમાં વધુ એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં એક એક્ટિવા ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મધુરમ સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો.

ઘટનાની મળતી માહિતી અનુસાર, ડિંડોલીના વ્યસ્ત એવા મધુરમ સર્કલ પાસેથી એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યો હતો, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, એક્ટિવા ચાલક ડમ્પરના ટાયર નીચે આવી ગયો હતો અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વારંવાર અકસ્માતથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ
આ અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થળ પર ભારે હોબાળો મચી ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.આ ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જી ભાગવાની પેરવીમાં રહેલા ડમ્પર ચાલકને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે ડમ્પર કબ્જે કરીને ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વારંવાર બનતી આવી ડમ્પર અકસ્માતની ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.