Last Updated on by Sampurna Samachar
ED એ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં ૫૦ કરોડનું સોનું જપ્ત
૧૫૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ED એ કર્ણાટકનાં ચિત્રદુર્ગા જિલ્લાના ધારાસભ્ય કે સી વિરેન્દ્ર અને તેમના સાથીઓની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. ED ની ટીમે બે લોકરોની તપાસ દરમિયાન ૪૦ કિલો ૨૪ કેરેટ સોનું જપ્ત કર્યુ છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કીંમત ૫૦.૩૩ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
આ અગાઉ ED એ આ કેસમાં ૧૦૩ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં સોનાની ઇંટો, રોકડ રકમ, ઘરેણા, બેંક ખાતા અને લક્ઝરી કારો સામેલ છે. અત્યાર સુધી કુલ ૧૫૦ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે ધારાસભ્ય કે સી વિરેન્દ્ર પોતાના પરિવાર અને મિત્રોની સાથે મળીને કિંગ ૫૬૭ અને રાજા૫૬૭ જેવી ગેરકાયદે ઓનલાઇન સટ્ટાબાજી વેબસાઇટ ચલાવી રહ્યાં હતાં.
વેબસાઇટોનો કુલ બિઝનેસ ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુ
આ વેબસાઇટ દ્વારા સામાન્ય લોકોને ઓનલાઇન ગેમ અને સટ્ટાના નામે છેતરવામાં આવતા હતાં. આ વેબસાઇટમાંથી જે કમાણી થતી હતી તે રકમને અલગ અલગ મ્યૂલ ખાતાઓમાં મોકલવામાં આવતી હતી. આ એકાઉન્ટ લોકોના નામે ખોલવામાં આવ્યા હતાં અને તેના બદલામાં સામાન્ય રકમ આપવામાં આવતી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સટ્ટાબાજી વેબસાઇટનો સાયબર અપરાધ સાથે પણ સીધો સંબધ હતો.
અનેક વખત આ નકલી ખાતાઓનો ઉપયોગ સાયબર છેતરપિંડી માટે કરવામાં આવ્યો હતો. ED અનુસાર આ વેબસાઇટોનો કુલ બિઝનેસ ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધારે છે.