Last Updated on by Sampurna Samachar
બંને કર્મચારીઓને પ્રેમ કરવો ભારે પડ્યો
બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં સરકારી કર્મચારીઓ વચ્ચે પ્રેમ સંબંધના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં ખાખીને શરમમાં નાંખતી ઘટના સામે આવી છે. પોલીસ અધિકારી અને તેના સાથી મહિલા કર્મચારી વચ્ચેનો પ્રેમ સંબંધ ઉપરી અધિકારી સુધી પહોંચી જતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મહિસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનમાં PI અને કોન્સ્ટેબલ વચ્ચેના લગ્નેત્તર સંબંધોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. PI અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે પાંગરેલા પ્રેમની રજૂઆત મળતાં જ જિલ્લા પોલીસ વડા સફિન હસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાની છેક મહિસાગર જિલ્લા એસપી સુધી રજૂઆત થતાં બંને કર્મચારીઓને પ્રેમ કરવો ભારે પડ્યો છે.
ખાતાકિય તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી ફરજ મોકૂફીનો હુકમ
જિલ્લા પોલીસ વડા સફિન હસને બંને કર્મચારીઓનો ફરજ મોકૂફીનો હુકમ કર્યો હતો. આ હુકમ પ્રમાણે કોઠંબા પોલીસ સ્ટેશનના PI અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે આડા સંબંધો હોવાનું જણાય છે. જે ફરજ દરમિયાન રાખવામાં આવેલી ગંભીર ગેર વર્તણૂંક છે. આ બાબત ખાતાકીય તપાસના અંતે પુરવાર થાય તો ફરજિયાત નિવૃત્તિ, રૂખસત કે બરતરફી જેવી શિક્ષામાં પરિણમે છે.
જો તમને ફરજ પર ચાલુ રાખવામાં આવે તો સત્તાનો દુરૂપયોગ કરીને તમે પુરાવાનો નાશ કરી શકો છો. જેથી ખાતાકિય તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી ફરજ મોકૂફીનો હુકમ કરવામાં આવે છે.