Last Updated on by Sampurna Samachar
નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી
પથ્થરમારો કરનારા મોટા ભાગે સગીર હોવાની આશંકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાણંદમાં થયેલ જુથ અથડામણમાં મોટી કાર્યવાહી કરાઇ છે. પોલીસે ખેતરમાં છુપાયેલા લોકોને ડ્રોનથી ઝડપ્યા છે અને કેમેરા ફૂટેજ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે, પથ્થરમારો કરનારા લોકો સગીર હોવાની આશંકા પણ સેવાઈ રીહી છે, સાણંદ GIDC પોલીસે ક્રોસ ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સાણંદના કલાણા ગામમાં થયેલ જૂથ અથડામણને લઈ ગામમાંથી ૫૨ શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરાયા છે અને બન્ને પક્ષના લોકો ખેતરોમાં છુપાયા હતા જેમને ડ્રોનની મદદથી ઝડપવામાં આવ્યા છે અને પથ્થરમારો કરનારા મોટા ભાગે સગીર હોવાની આશંકા છે, સાણંદ GIDC પોલીસે ક્રોસ ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે અને બીજા દિવસે પણ કલાણા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
૫૦ થી વધુ લોકોની અટકાયત કરી
આ જીવલેણ હુમલામાં ધાબે ચડીને અનેક લોકો એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ છે. ઘટનાની ગંભીરતા જોતાં SP અને DySP સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સ્થિતિને કાબૂમાં લીધા બાદ પોલીસે તોફાન મચાવનારા તત્વોને પકડવા ડ્રોનની મદદ લીધી છે. જેમાં ૫૦ થી વધુ લોકોની અટકાયત કરી છે.
પોલીસે બનાવ સ્થળની આસપાસ ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાના DVR પણ કબજે કરી તોફાનો તત્વોની તપાસ શરુ કરી છે. રાત્રે સાણંદ તાલુકાનાં કલાણા ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે લાકડી તેમજ પથ્થરો વડે સામ-સામે હુમલો થતાં સમગ્ર ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ થવા પામી હતી.
બનાવની જાણ પોલીસ ને થતાં તુરત જ પોલીસની ટીમે સ્થિતિને કાબુમાં લઈ ૪૦ લોકોની અટકાયત કરી હતી, ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગામના બે યુવકો તળાવની પાળે બેઠા હતા ત્યારે એકબીજાની સામે જોવાની બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. બાદમાં બંન્ને યુવક તરફથી આવેલા ટોળાઓ લાકડીઓથી હુમલો કર્યો હતા. ઘટનાના પગલે એસપી સહિતના પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોચીને સ્થિતિ કાબુમાં લઈ લીધી છે.