Last Updated on by Sampurna Samachar
પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓ મિત્રો સાથે મજાક કરતા હતાં
પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણામાં મોટી દાઉમાં સ્થિત ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓને એક શિક્ષક દ્વારા લાકડીથી ફટકારવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓને ઈજા થતાં એક વાલીએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શિક્ષક વિદ્યાર્થીઓને મારતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષકને બરતરફ કરવામાં આવ્યા અને પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ મહેસાણામાં મોટી દાઉમાં સ્થિત ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. શિક્ષક દ્વારા લાકડીથી બેરહેમી પૂર્વક વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ઈજા થતાં એક વાલીએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઘટનામાં શિક્ષકને બરતરફ કરાયા
આ ઘટના અંગે સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું હતું કે, પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓ મિત્રો સાથે મજાક કરતા હતાં જેથી શિક્ષકે તેમને ફટકાર્યા હતાં. વિદ્યાર્થીઓને પગના ભાગે ઈજા થઈ હતી. ગાઈડલાઈન પ્રમાણે કોઈપણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારી શકાય નહીં.
ઉત્કર્ષ વિદ્યાલયના શિક્ષક નીલ પટેલે વિદ્યાર્થીઓને સોટીઓથી માર મારતાં વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામા આવી હતી. ત્યાર બાદ એક વિદ્યાર્થીના પિતાએ સમગ્ર ઘટનાના સીસીટીવી જાહેર કર્યા હતાં. તેમણે શિક્ષક નીલ પટેલ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઘટનામાં શિક્ષક નીલ પટેલને સ્કૂલમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.