Last Updated on by Sampurna Samachar
ત્રણ મહિનાની અંદર તમામ ત્રુટીઓ દૂર કરવા નિર્દેશ
સુપ્રીમ કોર્ટનુ કડક વલણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં પરાળી સળગાવવા બદલ આકરૂં વલણ દર્શાવતાં સૂચન કર્યું છે કે, વારંવાર નિયમોનો ભંગ કરતાં ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ, પરાળી સળગાવતાં અમુક લોકોને જેલભેગા કરશો તો તે બીજા માટે ઉદાહરણરૂપ બનશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચને પણ ત્રણ મહિનાની અંદર તમામ ત્રુટીઓ દૂર કરવા નિર્દેશ આપ્યો છે.

દિલ્હી-એનસીઆરમાં દરવર્ષે ઓક્ટોબરમાં થતાં વાયુ પ્રદૂષણ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતાં દેશના સીજેઆઈ જસ્ટિસ બીઆર ગવઈએ ટિપ્પણી કરી હતી કે, પરાળી સળગાવતાં અમુક ખેડૂતો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચને વાયુ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો દર્શાવતો રિપોર્ટ રજૂ કરવા ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે.
વાયુ પ્રદૂષણ અનેકગણુ વધી જાય છે
આ ઉપરાંત વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને વાયુ પ્રદૂષણ અટકાવવા માટે વિચાર-વિમર્શ કરી યોજનાઓ ઘડવા સૂચન કર્યું છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ આ મામલે સવાલ પૂછ્યો હતો કે, અધિકારી આ મુદ્દો ઉકેલવા માટે દંડનીય જોગવાઈઓ પર વિચારણા કેમ કરી રહ્યા નથી. જો અમુક લોકોને જેલભેગા કરવામાં આવે તો તેનાથી સાચો સંદેશ મળશે. તમે ખેડૂતો માટે દંડનીય જોગવાઈના અમલ વિશે કેમ વિચારી રહ્યા નથી.
પર્યાવરણની રક્ષા કરવા માગતા હોવ તો તમે પીછેહટ કેમ કરી રહ્યા છો? ખેડૂત અમારા માટે ખાસ છે. આપણે તેમના લીધે જ ભોજન આરોગી રહ્યા છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, આપણે પર્યાવરણની રક્ષા કરવી જોઈએ નહીં. શું આ સળગાવવામાં આવતી પરાળીનો ઉપયોગ ઈંધણ બનાવવા માટે થઈ શકે? મેં અમુક અખબારોમાં તેના વિશે વાંચ્યું હતું.
ઉલ્લેખનીય છે, પંજાબ અને હરિયાણામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં પરાળી સળગાવવામાં આવતી હોવાથી તે સમયે દિલ્હીની હવા ઝેરી બને છે. તે સમયે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર જાેખમી સ્તરે પહોંચે છે. ખેડૂતોને ખેતરમાંથી પરાળી દૂર કરવા માટે તેને સળગાવી દે છે. પરાળીને ખેતરમાંથી દૂર કરવા માટે ખેતરોમાં વિશેષ મશીનોનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ ખેડૂતોનો તર્ક છે કે, આ વિકલ્પ અત્યંત મોંઘો છે. આથી તેઓ પરાળીને આગ ચાંપી દે છે. દર વર્ષે પરાળીના લીધે હવામાં ચારેબાજુ ધુમાડાની સ્થિતિ સર્જાય છે. વાયુ પ્રદૂષણ અનેકગણુ વધી જાય છે.