Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બન્યા
મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ ખાલી પડ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા આ પદ ખાલી પડ્યું હતું, જેના કારણે કેન્દ્ર સરકારે આ ર્નિણય લીધો છે.

આ ર્નિણય રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આચાર્ય દેવવ્રત હવે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોના રાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળશે. આ વધારાની જવાબદારી તેમને નવીન નિયુક્તિ ન થાય ત્યાં સુધી સોંપવામાં આવી છે. સી. પી. રાધાકૃષ્ણન જેમણે થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો, તેઓ ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેમના આ મહત્વપૂર્ણ પદ પર ચૂંટાયા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલનું પદ ખાલી પડ્યું હતું.
ગુજરાત અને મહારાષ્ટ્ર માટે એક મહત્વપૂર્ણ ઘટના
આચાર્ય દેવવ્રત ગુજરાતમાં તેમની લોકપ્રિયતા અને કુશળ વહીવટ માટે જાણીતા છે. તેમણે ગુજરાતના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ અનેક જનહિતલક્ષી કાર્યો અને પહેલ કરી છે. તેમના આ અનુભવને ધ્યાનમાં રાખીને તેમને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યનો વધારાનો કાર્યભાર સોંપાયો છે. આ ર્નિણય ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો માટે એક મહત્વપૂર્ણ ઘટના છે.