Last Updated on by Sampurna Samachar
મોબાઈલ, ટેલિવિઝન અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાઇ
આ ઘટનાને લગતો એક વીડિયો પણ સામે આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પકડાયેલો એક્ટર તરુણને જેલમાં ખાસ સુવિધા મળી રહી હોવાનું સામે આવ્યું છે. તરુણને જેલમાં મોબાઈલ, ટેલિવિઝન અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાતી હોવાનું જણાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તરુણ પાસે જેલમાં ટીવી-મોબાઈલની સાથે ખાસ સુવાની વ્યવસ્થા, ખોરાક અને મનોરંજનના સાધન ઉપલબ્ધ છે. આ ઘટનાને લગતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ ગોલ્ડ સ્મગલિંગનો મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તપાસ એજન્સીઓએ ખુલાસો કર્યો કે એક વરિષ્ઠ BLO અધિકારીની પુત્રી રાન્યા રાવે ૨૦૨૩ થી ૨૦૨૫ દરમિયાન દુબઈની ૫૦ થી વધુ યાત્રાઓ કરી હતી. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાન્યા આ પ્રવાસ દરમિયાન ગોલ્ડ સ્મગલિંગમાં સામેલ હતી.
ગોલ્ડ સ્મગલિંગમાં રાન્યા રાવને મદદ કરવાનો આરોપ
આ દરમિયાન તેલુગુ એક્ટર તરુણ પર આરોપ લાગ્યો હતો કે, તેને રાન્યાને ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક સાથે જોડાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઈવેન્ટ અને પાર્ટીના માધ્યમથી સંપર્ક થયો હતો.
કન્નડ અભિનેત્રી રાન્યા રાવની ૩ માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૪.૮ કિલો સોના સાથે ધરપકડ કરી હતી. આ કેસમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ મોટી કાર્યવાહી કરીને રાન્યાની સાથે સાહિલ જૈન અને તરુણ રાજુની પણ બેંગલુરુથી ધરપકડ કરી હતી. સાહિલે ગોલ્ડ સ્મગલિંગમાં પૈસાનો નિકાલ કરવામાં મદદ કરી હતી. તે કર્ણાટકના બલ્લારીનો રહેવાસી છે.
રાન્યા રાવ કર્ણાટકના વરિષ્ઠ પોલીસ અધિકારી કે રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. પૂછપરછ બાદ, તેમના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યા હતા, જ્યાંથી ૨.૦૬ કરોડ રૂપિયાના સોનાના દાગીના અને ૨.૬૭ કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ કેસમાં તરુણ રાજુ પર ગોલ્ડ સ્મગલિંગમાં રાન્યા રાવને મદદ કરવાનો આરોપ હતો.
તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૮ માં રીલિઝ કરવામાં આવેલી તેલુગુ ફિલ્મના શૂટિંગ અને પ્રમોશન દરમિયાન તરુણની મુલાકાત રાન્યા રાવ સાથે થઈ હતી. આ પછી ગોલ્ડ સ્મગલિંગના નેટવર્કની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.