Last Updated on by Sampurna Samachar
દુર્ઘટનામાં ૧૦ જવાનો શહીદ થયા તો અન્ય ગંભીર ઘાયલ
ખાની ટોપ પાસે ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડ્યું વાહન
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભયાનક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના ડોડાના ભદ્રવાહ વિસ્તારમાં ભારતીય સેનાનું વાહન ખીણમાં ખાબકતા ૧૦ જવાન શહીદ થયા હોવાની માહિતી છે. જ્યારે ૭ જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.

સેનાના અધિકારીઓએ દુર્ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું કે, એક સૈન્ય વાહન ૧૭ જવાનોને લઈને ઊંચાઈવાળા વિસ્તારમાં આવેલી ચોકી તરફ જઈ રહ્યું હતું. ત્યારે ડોડા જિલ્લાના ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ વિસ્તારમાં ખાની ટોપ પાસે ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં આ વાહન ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં ૧૦ જવાનો શહીદ થયા છે, જ્યારે અન્ય જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ વાહન હાઈ અલ્ટીટ્યૂડ પોસ્ટ તરફ જઈ રહ્યું હતું
આ દુર્ઘટનાની જાણ થતાં જ સેના અને પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. સ્થાનિક લોકો પણ પોલીસ અને રેસ્ક્યુ ટીમને મદદ કરવા માટે આગળ આવ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ૧૦ જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત જવાનોને પણ બહાર કાઢવામાં આવ્યા જેમાંથી અનેકની હાલત ગંભીર છે.
આ ત્રણ ઈજાગ્રસ્તોને હેલિકોપ્ટર દ્વારા ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘાયલ જવાનોને શ્રેષ્ઠ શક્ય સારવાર આપવામાં આવી રહી છે. જીવ ગુમાવનારા જવાનોના પરિવારોને જાણ કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વાહન હાઈ અલ્ટીટ્યૂડ પોસ્ટ તરફ જઈ રહ્યું હતું. ત્યારે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવ્યો અને વાહન ઊંડી ખાઈમાં ખાબક્યું. અકસ્માત બાદ સેના અને પોલીસે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. રાહત બચાવ દરમિયાન ૧૦ મૃતદેહ મળી આવ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. એલજી કાર્યાલય તરફી બહાર પાડવામાં આવેલા શોકસંદેશમાં કહેવાયું છે કે ડોડામાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં આપણા ૧૦ બહાદુર ભારતીય સેનાના જવાનોની શહાદતથી ખુબ દુખી છું. તેમની ઉત્કૃષ્ટ સેવા અને સર્વોચ્ચ બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. એલજી કાર્યાલયે વધુમાં કહ્યું કે આ દુખની ઘડીમાં આખો દેશ શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.