Last Updated on by Sampurna Samachar
અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
બેફામ કારચાલકે વીજપોલ સાથે અથડાવી કાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી જિલ્લામાં એક કારચાલકે બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે છે. વાત કરીએ તો મોરબી-હળવદ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. હળવદના ચરાડવા ગામ પાસે એક બેફામ બનેલી કાર પલટી જવાની ઘટના બની છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર હવામાં ફંગોળાઈને રસ્તાની નીચે ઉતરી ગઈ હતી. સમગ્ર ઘટના નજીકના પેટ્રોલ પંપ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

ઘટનાની મળતી વિગતો અનુસાર, મોરબીથી હળવદ તરફ એક કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. આ દરમિયાન ચરાડવા ગામ પાસે કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર બેફામ બની હતી અને રોડ પર પલટીઓ ખાવા લાગી હતી. પેટ્રોલ પંપના CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર કેટલી તેજ ગતિમાં હતી.
વાહન કે રાહદારી ન હોવાથી મોટી જાનહાનિ ટળી
આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકને ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માતનો ભોગ બનેલી આ કાર હળવદના ઈશ્વર નગરની છે. સદનસીબે તે સમયે રોડ પર અન્ય કોઈ વાહન કે રાહદારી ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. હાલમાં આ અકસ્માતના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જે વાહનચાલકોને ગતિ પર કાબૂ રાખવાની ચેતવણી આપી રહ્યા છે.